
પટણામાં કસ્ટમ અધિકારી બની તસ્કરો ૧૭ કિલો સોનું પડાવી ગયા રાજકોટના વેપારીઓનું રૂ.૨૫ કરોડનું સોનું બિહારમાં લૂંટાયું ખાખી પેન્ટ અને સફેદ શર્ટ પહેરેલા અંદાજે સાત જેટલા લૂંટારુઓએ પોતાની ઓળખ ‘કસ્ટમ અધિકારી’ તરીકે આપી હતી. બિહારમાં કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિ ચિંતાનો વિષય બની છે. રાજ્યમાં લૂંટ, ચોરી અને હિંસક ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે, પરંતુ તાજેતરમાં પાટનગર પટણામાં ગુનેગારોએ જે ફિલ્મી ઢબમાં લૂંટની મોટી ઘટનાને અંજામ આપ્યો છે, તેણે સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
દાનાપુરના ખગૌલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી કસ્ટમ અધિકારી બનીને આવેલા લૂંટારુઓએ એક જ્વેલરી વેપારીના સ્ટાફ પાસેથી અંદાજે ૧૭ કિલો સોનું લૂંટી લીધું છે, જેની બજાર કિંમત આશરે ૨૫ કરોડ હોવાનું મનાય છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતના રાજકોટના રહેવાસી મહેશ મામતોરા અને પ્રિન્સ રામપરિયાનો સ્ટાફ અમદાવાદથી સહારસા એક્સપ્રેસ ટ્રેન દ્વારા દાનાપુર પહોંચ્યો હતો. તેમને બાકરગંજ સ્થિત ‘કેવીએસ એન્ડ સન્સ’ પેઢીમાં જવાનું હતું. દાનાપુર જંકશનથી તેઓએ ઓટો રિક્ષા લીધી હતી, પરંતુ થોડે દૂર ઓવરબ્રિજ પાસે એક ફોર-વ્હીલર અને બે બાઇક પર આવેલા બદમાશોએ તેમને આંતરી લીધા હતા.ખાખી પેન્ટ અને સફેદ શર્ટ પહેરેલા અંદાજે સાત જેટલા લૂંટારુઓએ પોતાની ઓળખ ‘કસ્ટમ અધિકારી’ તરીકે આપી હતી. તપાસના બહાને તેઓએ જ્વેલરીના કર્મચારીઓ પાસેથી સોના ભરેલી ત્રણ બેગ કબજે કરી લીધી હતી અને પળવારમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા.





