
૧૯૨ બેઠકો માટે ૨૩૬૪ દાવેદારો! અમદાવાદમાં ભાજપની ટિકિટ લેવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો અમદાવાદ મનપા ચૂંટણી માટે ભાજપ પાસે ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો સામે અંદાજે ૨૩૬૪ લોકોએ દાવેદારી નોંધાવી રાજ્ય ચૂંટણી પંચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર કરી નાખી છે. જે બાદ ભાજપ દ્વારા આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની ચયન પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યની સૌથી મોટી ગણાતી અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપની ટિકિટ લેવા માટે સેંકડો દાવેદારો મેદાનમાં આવ્યા છે. ત્યારે અમદાવાદના ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો માટે અમદાવાદ શહેર ભાજપની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
અમદાવાદ મહાનગર મહાનગર પાલિકામાં કુલ ૪૮ વોર્ડની કુલ ૧૯૨ બેઠકો માટે અંદાજે ૨૩૬૪ દાવેદારોએ પોતાની દાવેદારીની માંગ કરી છે. આ દાવેદારોમાં મહિલા શક્તિનું પણ મોટું પ્રતિનિધિત્વ જાેવા મળ્યું છે. જેમાં ૧૦૩૪ મહિલા કાર્યકરોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. તેની સામે ૧૩૩૦ પુરુષ કાર્યકર્તાઓએ પણ ઉમેદવારી માટે પોતાની માંગ રજૂ કરી છે.
વોર્ડ મુજબના આંકડાઓ પર નજર કરીએ તો, અમરાઈવાડી વોર્ડમાં ૧૦૦, જ્યારે નિકોલ વોર્ડમાં સૌથી વધારે ૯૫ દાવેદારો નોંધાયા છે. તો બીજી તરફ મકતમપુર વોર્ડમાં સૌથી ઓછા માત્ર ૧૬ દાવેદારો જાેવા મળ્યા છે.
મળતી માહિતી અનુસાર જાેકે ૭ અલગ-અલગ સ્થળોએ ચાલેલી આ કામગીરીમાં કાર્યકરોનો ભારે ધસારો જાેવા મળ્યો હતો. સૌથી વધુ ખેંચતાણ અમરાઈવાડીમાં જાેવા મળી રહી છે. જ્યાં ૧૦૦થી વધુ કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે.
આ તરફ પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડામાં ૮૦ અને સરખેજમાં ૭૯ બાયોડેટા જમા થયા છે. સાબરમતી, શાહપુર અને નરોડા જેવા વોર્ડમાં સરેરાશ ૫૦થી વધુ દાવેદારો મેદાને આવ્યા છે. પાલડીમાં ૪૭ કાર્યકરોએ ટિકિટ માંગણી કરી છે. જ્યારે નવરંગપુરા, વેજલપુર અને જાેધપુર જેવા વિસ્તારોમાં ૩૫થી ૫૦ જેટલા ઉમેદવારોએ ટિકિટ માંગી છે.
આમ અમદાવાદ મહાનગર પાલિકા માટે ચૂંટણી માટે જાણે દાવેદારી માટે ભાજપના કાર્યકરો રાફડો ફાટ્યો હોય તેવું લાગે છે. ત્યારે ભાજપ આ સેંકડો દાવેદારોમાંથી મહાનગર પાલિકાની ૪૮ વોર્ડ માટે ૧૯૨ ઉમેદવારો તરીકે કોને તક આપે છે, તે જાેવું રહ્યું.





