અશ્લીલ ફોટાના બહાને ડરાવીને અમદાવાદમાં ૭૫ વર્ષનાં વૃધ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી ૫૬ લાખ પડાવ્યા વેરિફિકેશનના નામે વૃદ્ધા પાસેથી મ્યુચ્યુઅલ ફંડ તોડાવીને તેમજ ડિજિટલ કરન્સી ચકાસવાના બહાને ટુકડે-ટુકડે કુલ રૂ.૫૬ લાખ ટ્રાન્સફર કરાવ્યાં
અમદાવાદમાં ૭૫ વર્ષનાં વૃધ્ધાને અશ્લીલ ફોટાના બહાને ડરાવીને ડિજિટલ એરેસ્ટ કરી ૫૬ લાખ પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. મુંબઈથી ખરીદેલા સીમ કાર્ડ પર ૨૫ એફઆઈઆર નોંધાઈ હોવાનું કહીને વૃદ્ધને ડરાવ્યા હતા. તેમજ સીબીઆઈના કેસ હોવાનું જણાવ્યું હતું.મળતી વિગત પ્રમાણે, અમદાવાદના ઘુમા વિસ્તારમાં રહેતા ૭૫ વર્ષીય નિવૃત્ત મહિલા પ્રોફેસરને સાયબર ગઠિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરીને રૂ.૫૬ લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. ગઠિયાઓએ TRAI અને પોલીસના નામે ફોન કરીને વૃદ્ધાને કહ્યું કે તેમના નામે મુંબઈથી ખરીદેલા સિમકાર્ડ પરથી ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ છે અને ૨૫ જેટલી ફરિયાદો નોંધાઈ છે. વીડિયો કોલ દરમિયાન વૃદ્ધાનું ઓળખકાર્ડ બતાવી તેમને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં સીબીઆઈ અને નરેશ ગોયલ મની લોન્ડરિંગ કૌભાંડમાં નામ હોવાનું કહી વૃદ્ધાને ૧૦ વર્ષની જેલની સજાની ધમકી આપી ડરાવ્યા હતા.આરોપીઓએ સતત ૧૯ દિવસ સુધી વીડિયો અને ફોન કોલ દ્વારા વૃદ્ધા પર નજર રાખી હતી અને રોજ સવાર-સાંજ ગુડ મોર્નિંગ/ગુડ નાઇટના મેસેજ કરવા દબાણ કર્યું હતું. પરિવારમાં કોઈને જાણ ન કરવા પણ ધમકી આપી હતી. મિલકતની તપાસ અને વેરિફિકેશનના નામે વૃદ્ધા પાસેથી મ્યુચ્યુઅલ ફંડ તોડાવીને તેમજ ડિજિટલ કરન્સી ચકાસવાના બહાને ટુકડે-ટુકડે કુલ રૂ.૫૬ લાખ ટ્રાન્સફર કરાવી લીધા.અચાનક આરોપીઓએ સંપર્ક તોડી નાખતાં અને વોટ્સએપ ડેટા ડિલીટ થઈ જતાં વૃદ્ધાને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. તેમણે સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરતાં બોપલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપીઓના ફોન નંબર, બેંક ખાતા, નાણાકીય વ્યવહારો અને ડિજિટલ પુરાવાઓની તપાસ કરીને ગેંગના અન્ય સભ્યોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.





