
મીઠાઈ-ફરસાણ એસોસિએશનના પ્રમુખનો ઘટસ્ફોટ.ગુજરાતમાં આવતું ૯૨ ટકા પનીર ડુપ્લિકેટ છે.લોકોને આ મિલાવટવાળું પનીર ન ખાવાની અપીલ કરી.ગુજરાત મીઠાઈ ફરસાણ એસોસિએશનની પ્રથમ બેઠક ડાકોર ખાતે યોજાઈ હતી, જેમાં રાજ્યભરના વેપારીઓ ભેગા થયા હતા. આ બેઠકમાં મુખ્યત્વે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને તેનાથી ગ્રાહકોના સ્વાસ્થ્યને થતા નુકસાન પર ચર્ચા થઈ હતી. પ્રમુખ કિશોરભાઈ શેઠે જણાવ્યું હતું કે અમદાવાદ સહિતની હોટેલોમાં લોકો જે પનીર હોંશે હોંશે ખાય છે, તે મોટા ભાગે નકલી હોય છે. તેમણે કહ્યું કે, મીઠાઈ-ફરસાણનો ધંધો ૩૫ થી ૪૦ ટકા જેટલો નફાકારક હોવા છતાં, કેટલાક લોકો માત્ર પૈસાની લાલચમાં ભેળસેળ કરે છે, જે ખૂબ જ દુ:ખદ બાબત છે.
બેઠકમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને વિનંતી કરવામાં આવી હતી કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે સખત પગલાં લેવામાં આવે. એસોસિએશને માંગ કરી છે કે આવા ગુનેગારોને પાસા (Prevent Of Anti Sociala Act) હેઠળ કાર્યવાહી કરીને જેલભેગા કરવા જાેઈએ. આ ઉપરાંત, તેમણે એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો કે જાે કોઈ ખાદ્ય પદાર્થનો નમૂનો નિષ્ફળ જાય, તો તેની સજા દુકાનદારને બદલે સીધા વેપારીને થવી જાેઈએ જે આ માલનો પુરવઠો કરે છે. કિશોરભાઈ શેઠે પનીર ઉપરાંત ઘીમાં થતી ભેળસેળ વિશે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે ખાસ કરીને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઘીમાં ભેળસેળ જાેવા મળે છે, જે ગ્રાહકો માટે ચિંતાનો વિષય છે. આ બેઠકના અંતે, ગુજરાતમાંથી આવેલા વેપારીઓએ ડાકોરના પ્રખ્યાત મંદિર પર ધજા ચઢાવી હતી અને રાજભોગની પ્રસાદીનો લાભ લીધો હતો. આ બેઠકનો મુખ્ય હેતુ ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો.




