
સેવ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું, લોકોએ રાહતનો શ્વાસ લીધો
વડોદરા શહેરના જાંબુવા વિસ્તારમાં ૩ ફૂટનો મગર આવી ચડ્યો હતો. જેને સેવ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે મળીને રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગ ખાતે લઈ જવાયો હતો. જેને પગલે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સેવ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ સંદીપ સિંહે જણાવ્યું હતું કે, ૮:૩૦ વાગ્યાની આસપાસ જાંબુવા ખાતે આવેલા આત્મિયા ગ્રાન્ડ વિલા-૨ પાસેથી કોલ આવ્યો હતો કે, અંદાજે ૩ ફૂટનો મગર આવી ચડ્યો હતો ત્યાર બાદ અમારી ટીમના વોલેન્ટીયર્સ લોકેશન પર પહોંચીને તપાસ કરતા ૩ ફૂટનો મગર દેખાયો હતો. ત્યારબાદ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈને સાથે રાખીને મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સુપ્રત કર્યો હતો. આજ રીતે તમારા રહેણાક વિસ્તારમાં કોઈપણ વન્યજીવ દેખાય જેમ કે સાપ , મગર , અજગર , દીપડો જેવા તો અમારી સંસ્થા સેવ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટનો સંપર્ક કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૬૦માં વિશ્વામિત્રી નદીમાં ૫૦ મગરો હતા. જાેકે, આજે વિશ્વામિત્રી નદીમાં ૪૦૦થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ ૧ હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-૧નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી ૬૦થી ૭૦ ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજાેગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી ૪ લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.




