
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025–26 અંતર્ગત ગત રાત્રે (13 ડિસેમ્બર) સિંધુ ભવન રોડ ખાતે “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” થીમ પર આધારિત ભવ્ય સ્વદેશી ફેશન શો યોજાયો. ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ ફેશન શોમાં ભારતીય વસ્ત્ર પરંપરા અને આધુનિક ગ્લોબલ એસ્થેટિક્સનો સુંદર સંગમ જોવા મળ્યો. આ ફેશન શોમાં સ્વદેશી કારીગરી, હેન્ડલૂમ અને પરંપરાગત ડિઝાઇન્સને આધુનિક અંદાજમાં રેમ્પ પર રજૂ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2024 નિકિતા પોરવાલ અને ફેમિના મિસ ઇન્ડિયા 2024 ફર્સ્ટ રનર-અપ રેખા પાંડે વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શો-સ્ટોપર્સની વિશેષ વૉક સાથે સ્વદેશી ફેશનની નવી ઓળખ પ્રસ્થાપિત થઈ હતી.
આ અવસરે ફેમિના મિસ ઇન્ડિયા 2024 ફર્સ્ટ રનર-અપ રેખા પાંડેએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં મને હંમેશા સુરક્ષા અને આરામની અનુભૂતિ થાય છે. અહીંની સુઘડ અને સ્વચ્છતા તેમજ શહેરની વ્યવસ્થા અને ઉષ્મા, સન્માન તથા સલામતીથી ભરેલી સંસ્કૃતિ પ્રશંસનીય છે.”
આ રીતે, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ અંતર્ગત યોજાયેલો આ સ્વદેશી ફેશન શો સ્થાનિક કારીગરો અને ભારતીય ફેશનને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો છે.




