
જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નરોડામાં જમીન દલાલીની અદાવતમાં યુવક પર છરીથી જીવલેણ હુમલો
મુઠિયા ટોલટેક્લ પાસેની ઓફિસમાં ઘૂસી ત્રણ શખ્સોએ આતંક મચાવ્યો; વચ્ચે પડેલા મિત્રને પણ માર માર્યાે નરોડા વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં જમીન દલાલીની જૂની અદાવત રાખી ત્રણ શખ્સોએ હુમલો કરી યુવકને છરીના ઘા ઝીંકી દીધા હોવાની ઘટના સામે આવી છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેના હાથમાં ગંભીર ઇજા થતા ટાંકા લેવા પડ્યા છે. નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા અને જમીન દલાલીનો વ્યવસાય કરતા હાર્દિક મહેન્દ્રભાઈ પટેલ ગત ૧૩ માર્ચના રોજ રાત્રે સાડા બાર વાગ્યાના સુમારે નરોડા મુઠિયા ટોલટેક્સ પાસે આવેલી પોતાની ઓફિસે મિત્રો સાથે હાજર હતા. આ સમયે અગાઉ જમીન દલાલી બાબતે જેની સાથે તકરાર થઈ હતી તેવો ભરતસિંહ નાથુસિંહ ચૌહાણ અને તેનો સાથી મુકેશ ત્યાં ધસી આવ્યા હતા. બંનેએ જૂની અદાવત રાખી હાર્દિકભાઈ સાથે ગાળાગાળી કરી ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. વચ્ચે પડેલા હાર્દિકભાઈના મિત્ર ચિરાગસિંહને પણ આરોપીઓએ માર માર્યાે હતો. આ દરમિયાન ત્રીજાે આરોપી અજ્જુ મંગલાણી ત્યાં આવ્યો હતો અને તેણે પણ ફરિયાદીને લાફા મારી બીભત્સ ગાળો આપી હતી. હુમલા દરમિયાન ભરતસિંહે પોતાની ફેટમાંથી છરી કાઢી હતી, જે મુકેશે ઝૂંટવી લઈ હાર્દિકભાઈ પર હુમલો કર્યાે હતો. હાર્દિકભાઈએ બચાવવા હાથ આડો ધરતા તેમને હથેળીના ઉપરના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને નસ કપાઈ જવાથી લોહીલુહાણ થઈ ગયા હતા.હુમલો કર્યા બાદ ત્રણેય આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. શરૂઆતમાં પરિચિત હોવાથી ફરિયાદ કરી ન હતી, પરંતુ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનું જાણવા મળતા અંતે હાર્દિકભાઈએ નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ પીએસઆઈ બી.એમ. જાેગડા ચલાવી રહ્યાં છે.




