
આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત સોમનાથથી કરવામાં આવી હતી. તારીખ 26ના રોજ આ યાત્રા માણાવદરના ચિરોડા, સુલતાનાબાદ, ખાગેશ્રી, સમેગા અને ભાણખોખરીથી પસાર થઈ હતી. ભાણખોખરીમાં સાંજે એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો આ યાત્રામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો અને સાથે સાથે મોટી સંખ્યામાં ખેડૂતો અને યુવાનો પણ જોડાયા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓ ગામેગામ જઈને ખેડૂતોને મળ્યા હતા તથા તેમના પ્રશ્નોને જાણ્યા હતા. ખાગેશ્રી અને ચિરોડા ગામે ખાટલા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ગામોમાં આમ આદમી પાર્ટીના નેતાઓનું ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું અને લોકોએ સંકેત આપી દીધા કે આમ આદમી પાર્ટી હવે આવનારી ચૂંટણીઓમાં નવો ઇતિહાસ રચવાની છે.

આમ આદમી પાર્ટીએ ખેડૂતોના હક અને અધિકાર માટે આ યાત્રાની શરૂઆત કરી છે. હાલ ખેડૂતો પર ખૂબ જ અત્યાચાર થઈ રહ્યો છે. 54 લાખ ખેડૂતોના પરિવારો આજે પીડાઈ રહ્યા છે. ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, પૂરતી વીજળી નથી મળતી, ખેડૂતોના ઉભા પાકમાં વીજળીના થાંભલાઓ નાંખવામાં આવે છે અને તેમને હેરાન પરેશાન કરવામાં આવે છે, આ સિવાય ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર અને બિયારણ મળતું નથી અને પાક વીમા યોજનાનો પણ લાભ મળતો નથી. તો આવા ખેડૂતોના અનેક મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી હંમેશા મજબૂતાઈથી અવાજ ઉઠાવતી રહી છે. આમ આદમી પાર્ટીએ અગાઉ અનેકવાર આંદોલનો કર્યા, સભાઓ કરી, કિસાન મહાપંચાયતો કરી, છતાં પણ ખેડૂતોના મુદ્દાઓ ઉકેલાયા નથી જેના કારણે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે આમ આદમી પાર્ટી “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા” શરૂ કરશે અને ખેડૂતોના અવાજને બુલંદ બનાવશે. 8 માર્ચના રોજ યાત્રાની પુર્ણાહુતિ દરમિયાન ખેડૂત મહાસંમેલનનું આયોજન થશે, જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી પધારશે.




