
આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત સોમનાથથી કરવામાં આવી. યાત્રાની શરૂઆત પહેલાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને આશીર્વાદ લીધા અને ત્યારબાદ AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેની પ્રથમ સભા ઘૂંસીયા ગામે યોજાઇ હતી. આ તકે સભાને સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ખેડૂત હિત અને યુવાનોના અધિકારો માટે શરૂ કરવામાં આવેલી આ યાત્રા સંઘર્ષ અને સંકલ્પની યાત્રા છે. તેમણે જણાવ્યું કે ૧૦૮ દિવસની તપશ્ચર્યા પૂર્ણ કરીને યુવાનો હવે નવી ઉર્જા અને દૃઢ નિશ્ચય સાથે મેદાનમાં ઉતર્યા છે અને અન્યાય સામે લડવા તૈયાર છે. યાત્રાનો પ્રારંભ દાદા સોમનાથના આશીર્વાદ સાથે કરવામાં આવ્યો છે. પ્રવીણભાઈ અને મનોજભાઈની આગેવાનીમાં શરૂ થયેલી આ યાત્રાને સ્થાનિક કાર્યકરો અને ગામજનોએ ઉત્સાહભેર સમર્થન આપ્યું હતું. પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે ખેડૂતોના પ્રશ્નો અંગે યોગ્ય અને પૂરતા નિર્ણય ન લેવાતા હવે જનતા પોતાનો નિર્ણય મતપેટી દ્વારા આપશે. AAP પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર આગેવાનો પર કાર્યવાહી કરવામાં આવી, જેલવાસ ભોગવવો પડ્યો અને આંદોલનો દરમિયાન કડક વલણ અપનાવવામાં આવ્યું. તેમ છતાં, ખેડૂતો અને યુવાનોનો સંકલ્પ અડગ રહ્યો છે.આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો” છે. તેમણે કાર્યકરોને અપીલ કરી કે તેઓ ગામે-ગામે જઈ લોકોને સાચી માહિતી પહોંચાડે અને આવનારી તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા જનજાગૃતિ ફેલાવે.
આ તકે સભાને સંબોધન કરતા ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો હાલ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ખેડૂતોને પાકનો યોગ્ય ભાવ મળતો નથી, બિયારણની ગુણવત્તા અંગે ફરિયાદો છે, ખાતર સમયસર મળતું નથી અને પાક વીમાની રકમ સમયસર ચૂકવાતી નથી. સરકારની ખોટી નીતિઓના કારણે ખેડૂતો આર્થિક રીતે નબળા પડી રહ્યા છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી કેટલીક વેપાર નીતિઓ ભારતીય ખેડૂતો માટે અન્યાયકારક છે. આયાત-નિકાસ નીતિઓમાં અસમાનતા હોવાથી સ્થાનિક ખેડૂતોને સ્પર્ધામાં નુકસાન વેઠવું પડે છે. “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો” માત્ર નારો નથી, પરંતુ ખેડૂતોને ન્યાય અપાવવાનો સંકલ્પ છે. રાજ્યભરમાં આ યાત્રા દ્વારા ખેડૂતોના પ્રશ્નો જનતા સુધી પહોંચાડવામાં આવશે અને સરકારને જવાબદાર બનાવવામાં આવશે. ખેડૂતોને યોગ્ય ભાવ, સમયસર બિયારણ-ખાતર અને પાક વીમાની સુવિધા મળે તે માટે આ લડાઈ લડવામાં આવશે. તેમણે જણાવ્યું કે પોતાના જિલ્લામાંથી, પોતાના ગામમાંથી અને કાર્યકર્તાઓના આશીર્વાદ સાથે અમે આ યાત્રા શરૂ કરી છે અને ખેડૂતો માટે ન્યાય મળ્યા વગર અટકવાના નથી.
આમ આદમી પાર્ટીની “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા” દરમિયાન પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આ યાત્રા એક હવન સમાન છે, જેમાં ગુજરાતના લોકો પોતાની ભાગીદારી આપી રહ્યા છે. છેલ્લા ત્રીસ વર્ષથી સત્તામાં બેઠેલા લોકો હવે પોતાને શાસક નહીં પરંતુ માલિક સમજી રહ્યા છે, જેના કારણે સામાન્ય જનતા અને ખેડૂતોની પરિસ્થિતિમાં સુધારો થયો નથી. તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રના ગામડાં, ઉત્તર ગુજરાત, આદિવાસી પટ્ટો કે રાજ્યના કોઈ પણ ખૂણામાં રહેનાર ખેડૂત અને સામાન્ય માણસ આજે અનેક મુશ્કેલીઓમાં જીવન જીવી રહ્યો છે. ખેડૂતોના પ્રશ્નોનું કોઈ સમાધાન દેખાતું નથી. આવી સ્થિતિમાં એક સામાન્ય લોકોની પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીની જરૂર પડી છે. મનોજ સોરઠીયાએ જણાવ્યું કે આમ આદમી પાર્ટી પાસે સત્તા કે સંપત્તિ નથી, પરંતુ જનતાના આશીર્વાદ, વિશ્વાસ અને સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનોની શક્તિ છે. આ જ શક્તિના આધાર પર પાર્ટી આજે ગુજરાતમાં મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે અને સત્તામાં બેઠેલા લોકોને હવે તેનો ડર લાગી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે જો સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર ઓછો નહીં થાય તો ગુજરાતમાં પરિવર્તન અનિવાર્ય છે. આવનારા સમયમાં સામાન્ય પરિવારમાંથી આવેલા યુવાનો જ પરિવર્તન લાવશે. આમ આદમી પાર્ટી કોઈ નેતાઓ કે ઉદ્યોગપતિઓની જાગીર નથી, પરંતુ સામાન્ય લોકોની પાર્ટી છે. પાર્ટીનો સંઘર્ષ ગુજરાતના ભવિષ્ય અને આગામી પેઢીના હિત માટે છે. આ સંઘર્ષ અટકવાનો નથી. ગુજરાતમાં પરિવર્તન લાવીને ખેડૂતો અને સામાન્ય જનતાને ન્યાય અપાવવો એ જ પાર્ટીનો સંકલ્પ છે.




