
આમ આદમી પાર્ટીના દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અમે વિધાનસભા ગૃહ સમક્ષ જણાવ્યું કે જે પણ રોડ નિર્માણના કામો જયારે અમારા જંગલના વિસ્તારમાં થતા હોય છે, ત્યારે વન વિભાગ દ્વારા અલગ અલગ કારણો બતાવીને એનઓસી આપવામાં આવતી નથી અને રોડના કામકાજને અટકાવી દેવામાં આવે છે. ઘણી જગ્યાએ કોન્ટ્રાક્ટરોના વાહનોને પણ જપ્ત કરવામાં આવેલા છે અને લાખોના દંડ પણ ફટકારવામાં આવ્યા છે. જીતગઢથી જુનારાજ જતો જે રસ્તો છે તેને 2020-21થી મંજૂર કરવામાં આવેલ છે, છતાં પણ તેનું કામ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવા દેવામાં આવતું નથી. માટે અમે ગૃહમાં રજૂઆત કરી કે તાત્કાલિક અસરથી આ કામને શરૂ કરી દેવામાં આવે. જુનારાજ 700 વર્ષ જૂનું એક પૌરાણિક ગામ છે અને આ પર્યટક સ્થળમાં જવા માટે બનતા રોડને વન વિભાગ પરવાનગી આપતું નથી અને ચાર વર્ષથી રોડ પેન્ડિંગ છે તો તેના કામને શરૂ કરવા માટે અમે ગૃહમાં રજૂઆત કરી. આ સિવાય બીજા બ્રિજોના કામ અટકાવેલા છે, રોડના કામો અટકાવેલા છે અને રિસરફેસિંગના કામ પણ અટકાવેલા છે, તો આ તમામ કામો શરૂ કરવામાં આવે અમે માંગણી કરી છે.
વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદા પરિયોજનાનું પાણી કચ્છથી લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં સુજલામ સુફલામ અને સૌની યોજના દ્વારા પહોંચાડવામાં આવે છે. તો આ પાણી નર્મદા જિલ્લા સહિત સમગ્ર આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ માટે અને પીવાના પાણી માટે પહોંચાડવામાં આવે એ મુદ્દાની રજૂઆત કરી. જરવાણી પાણી પુરવઠા યોજના છેલ્લા ચાર વર્ષથી ચાલે છે, 90 ટકા રકમની ચુકવણી થઈ ગઈ છે અને 54 ગામમાં પાણી પૂરું પાડવાની યોજના છે છતાં આજ દિન સુધી એ યોજના પૂર્ણ થઈ નથી. માટે એ યોજનાને સત્વરે પૂર્ણ કરવામાં આવે એ મુદ્દે અમે આજે વાત કરી. કુદરતી આફતોમાં જે પણ આગજન્ય ઘટનાઓ ઘટે છે અને જે લોકોના ઘર બળીને નાશ પામે છે, એવા પરિવારોને પણ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચૂકવવામાં આવે એ મુદ્દાને માંગ કરી છે
વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, જ્યારે માવઠું આવ્યું ત્યારે ગુજરાત સરકારે 11 હજાર કરોડના ફંડની જાહેરાત કરી તેની રકમ ખાતામાં ડાયરેક્ટ જમા થાય છે તો અમે આજે રજૂઆત કરી કે જે પણ ખેડૂત ભાગ્યા ખેતીના ભાગરૂપે ખેડૂત સાથે મળીને ખેતી કરતા હતા, એમને પણ ગુજરાત સરકાર સહાય આપે એવી અમે માંગ કરી છે. સાથે સાથે નર્મદા જિલ્લામાં સીટી સ્કેન, સોનોગ્રાફી, શબ વાહિની જેવા સાધનો આજે પણ નથી. સિવિલ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ અને પૂરતા સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે, તે મુદ્દે અમે રજૂઆત કરી છે. આ સિવાય અંકલેશ્વરથી દેડીયાપાડા-સાગબારા થઈને મહારાષ્ટ્રને જોડતો નેશનલ હાઈવે નંદુરબાર બુરહાનપૂર નીકળે છે, ત્યાં કરજણ નદી પર એક પુલ જર્જરિત છે અને આઠથી દસ મહિના પહેલા માર્ગ અને મકાન વિભાગે તેને બંધ કરેલો છે, જેના કારણે અમારા વિસ્તારના સામાન્ય લોકો અને ખાસ કરીને ખેડૂતોને ફરીને ગ્રામ્ય રોડમાં થઈને ખરાબ રોડ પરથી પસાર થવું પડે અને નેત્રંગ જવું પડે છે, તો તાત્કાલિક આ પુલનું કામ પૂરું કરવામાં આવે અને પૂરું થાય ત્યાં સુધી ત્યાં એક ડાઈવર્ઝન બનાવવામાં આવે એ મુદ્દે અમે આજે ગૃહમાં માંગ કરી છે.




