
અમદાવાદની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસને મોટો ઝટકો આપતાં દાણીલીમડાના સીટિંગ કોર્પોરેટર જમનાબેન વેગડા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓએ AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે ખેસ ધારણ કરીને પાર્ટીમાં સત્તાવાર પ્રવેશ કર્યો. ખાસ વાત એ છે કે જમનાબેન વેગડા માત્ર એકલા જ નહીં પરંતુ 50 જેટલા અલગ અલગ સમાજના આગેવાનો અને આશરે 400 કાર્યકર્તાઓ સાથે AAPમાં જોડાયા છે, જેને કારણે સ્થાનિક રાજકારણમાં AAPને મજબૂતાઈ મળી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ જોડાણને AAP માટે મોટી રાજકીય સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની સાથે સાથે મધ્યઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલ વસરા અને પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકો ભાજપ-કોંગ્રેસથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. આજે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને મુખ્ય વિપક્ષ તરીકે જોઈ રહી છે. જેના કારણે ચારે બાજુથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે મને જણાવતા ખુશી થાય છે કે બે વખતથી કોર્પોરેટર રહેલા અને હાલ પણ દાણીલીમડા સીટના કોંગ્રેસના સીટીંગ કોર્પોરેટર જમનાબેન વેગડા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓ 50 જેટલા અલગ અલગ સમાજના આગેવાનો અને આશરે 400 કાર્યકર્તાઓ સાથે AAPમાં જોડાયા છે. હું તમામ આગેવાનોને આવકારું છું. જમનાબેન વેગડા 2015થી 2021 સુધી કોર્પોરેટર રહ્યા છે અને હાલ તેઓ સીટીંગ કોર્પોરેટર પણ છે. તેઓ દાણીલીમડાની આસપાસના વિસ્તારમાં પોતાની મજબૂત પકડ ધરાવે છે.
વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી આમ લોકોની પાર્ટી છે. આમ આદમી પાર્ટી કામની રાજનીતિ, દેશ પ્રેમની રાજનીતિ કરીને લોકોના મુદ્દા પર લડનારી પાર્ટી છે. અમે સત્તા હાસિલ કરવા માટે નહીં પરંતુ સત્તાને સેવા બનાવીને વ્યવસ્થા પરિવર્તન કરવા માટે રાજનીતિમાં આવ્યા છીએ. આગામી સમયમાં અમદાવાદમાં પણ મહા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. 30 વર્ષથી ભાજપ રાજ્યમાં સરકારમાં છે અને 22 વર્ષથી અમદાવાદ કોર્પોરેશનમાં સત્તામાં છે. અમદાવાદના હજારો કરોડના બજેટ છતાં ભાજપના પદાધિકારીઓ સિવાય કોઈ સમૃદ્ધ બન્યું નથી અને ટેક્સનો રૂપિયો માત્રને માત્ર ભ્રષ્ટાચારમાં જાય છે. તો આજે જમનાબેન આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તો હું ગર્વ અનુભવ છું.



