
આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી સહિત ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, ઇસ્ટ ઝોન ઇન્ચાર્જ અશોક ઓઝા, ઇસ્ટ ઝોન સંગઠન મંત્રી નરેશ બારીયા સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં દાહોદ તથા આસપાસના વિસ્તારના સ્થાનિક ખેડૂતો, મજૂરો, યુવાનો, મહિલાઓ સહિત હજારોની સંખ્યામાં તમામ જાતિ-ધર્મ અને વર્ગના લોકો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ દાહોદના લિમખેડામાં યોજાયેલી સભામાં હાજર હજારો લોકો સમક્ષ પોતાની વાત રાખતાં કહ્યું કે, છેલ્લા 30 વર્ષમાં ભાજપે, કોંગ્રેસ સાથે મળીને ગુજરાતને લૂંટી લીધું, પરંતુ તેમાં પણ સૌથી વધુ આદિવાસી લોકોને લૂંટી લીધા અને સૌથી વધુ આદિવાસી સમાજ પર અત્યાચાર કર્યો. તમારા બાળકો મોટા થાય છે પરંતુ તેમના માટે શિક્ષણની વ્યવસ્થા નથી, નોકરી નથી, તો તેઓ ખેતરમાં કામ કરે છે અને તેમણે ખેડૂતોની સ્થિતિ પણ ખૂબ ખરાબ બનાવી દીધી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આદિવાસી સમાજ માટે અબજો રૂપિયા મોકલે છે, પરંતુ પ્રશ્ન એ છે કે આ પૈસા ક્યાં જાય છે? તો જવાબ એ જ છે કે આ બધા પૈસા ભાજપ અને કોંગ્રેસના લોકોના ખિસ્સામાં જાય છે. મનરેગામાં કામ કરતા ગરીબોના પૈસા પણ આ લોકોએ ખાઈ લીધા. અને જ્યારે અમારા ધારાસભ્ય ચૈતર વસાવાએ તેના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો તેમને જેલમાં નાખી દીધા. જેણે ચોરી કરી તે મંત્રીને જેલમાં નાખ્યો નહીં કારણ કે તે ઉપર સુધી પૈસા પહોંચાડે છે. ક્લાર્કથી લઈને મંત્રી સુધી દરેક વ્યક્તિ પૈસા ખાઈ રહ્યા હતા પરંતુ કોઈને જેલ થઈ નહીં, પરંતુ અવાજ ઉઠાવનાર ચૈતરભાઈને 3 મહિના સુધી જેલમાં નાખી દીધા. તેઓ પોતાના પત્ની-બાળકો માટે જેલમાં ગયા નહોતા પરંતુ તેઓ તમારા માટે જેલમાં ગયા હતા.
આગળ અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, નળથી જળ યોજના માં કરોડો રૂપિયાનું ફંડ આવતું હતું પરંતુ શું કોઈના ઘરમાં પાણી આવ્યું? પાણી પણ આવ્યું નહીં તેનો અર્થ એ છે કે આ લોકોએ તમારા બધા પૈસા ખાઈ લીધા. આવી કેટલીય યોજનાઓના પૈસા આવે છે અને તે પૈસા જનતા સુધી પહોંચતા નથી, તે બધા પૈસા આ લોકો ખાઈ જાય છે. તમારા મતથી આ લોકો ધારાસભ્ય બની જાય છે અને તેમના બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે જ્યારે તમારા બાળકો માટે સરકારી શાળા પણ નથી. જે સરકારી શાળાઓ છે તે પણ તૂટી પડેલી છે, શિક્ષકો આવતા નથી. પછી આ લોકો પોતાના જ બાળકોને ચૂંટણી વખતે ધારાસભ્યની ટિકિટ પણ આપી દે છે. પરંતુ તમારા બાળકોનું કોઈ ભવિષ્ય નથી. આ લોકોએ તમારું જળ, જંગલ, જમીન છીનવી લીધી, તમને પોલીસ હેરાન કરે છે, ફોરેસ્ટ વિભાગના લોકો હેરાન કરે છે, આજે સૌથી વધુ FIR આદિવાસી લોકો સામે થાય છે.

આગળ અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, પંજાબમાં પણ પહેલા આવી જ સ્થિતિ હતી. ત્યાં 5 વર્ષ કોંગ્રેસની સરકાર રહેતી હતી, 5 વર્ષ અકાલી દળની સરકાર રહેતી હતી અને આ બંને મળીને લોકોને લૂંટી રહ્યા હતા. જેના કારણે લોકો કંટાળી ગયા હતા અને પછી પંજાબમાં એક નવી પાર્ટી આવી, ઝાડૂવાળી આમ આદમી પાર્ટી. પછી લોકોએ ઝાડૂ ચલાવ્યુઅને જૂની પાર્ટીઓને ઉખેડીને ફેંકી દીધી. 2022ની ચૂંટણીમાં 117માંથી 92 સીટો આમ આદમી પાર્ટીને મળી. હું અહીં કોઈ ખોટા વચનો આપવા આવ્યો નથી પરંતુ હું એટલું જ કહેવા આવ્યો છું કે અમે પંજાબમાં શું કર્યું અને જે અમે પંજાબમાં કર્યું છે તે જ કામ અમે ગુજરાતમાં પણ કરી શકીએ છીએ. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ખેડૂતના દીકરા છે. સૌપ્રથમ અમે પંજાબના ખેડૂતો માટે ખેતીની વીજળી મફત કરી દીધી. જો ગુજરાતમાં પણ ખેડૂતોને મફત વીજળી જોઈએ તો આમ આદમી પાર્ટીનું ઝાડૂ ચલાવો અને ભાજપને હટાવો. પંજાબમાં અમારી સરકાર આવવા પહેલા રાત્રે 2:00 વાગ્યે ખેતીની વીજળી આવતી હતી. પરંતુ અમારી સરકાર આવ્યા પછી અમે ખેતરમાં દિવસે 8 કલાક વીજળી આપવાની શરૂઆત કરી. પહેલા ખેડૂતોને પાક વેચ્યા પછી ચાર-ચાર મહિના સુધી ચુકવણી મળતી નહોતી અને આજે અમારી સરકાર સવારે પાક ખરીદી લે છે અને સાંજે ખેડૂતોના ખાતામાં પૈસા મોકલી દે છે. મને કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં પણ ખેડૂતોને ઘણા મહિના સુધી પાકના પૈસા મળતા નથી. મને આ પણ કહેવામાં આવ્યું કે ગુજરાતની સરકાર કેટલાક ખેડૂતોની પાક ખરીદે છે અને કેટલાકની ખરીદતી નથી, પરંતુ પંજાબમાં અમારી સરકાર ખેડૂતોની આખો પાક ખરીદી લે છે. 30 વર્ષથી આ લોકોએ તમને સિંચાઈનું પાણી આપ્યું નથી, હજુ વધુ 30 વર્ષ પણ તેમને આપશો તો પણ તેઓ તમને સિંચાઈનું પાણી આપશે નહીં કારણ કે તેમની નીતિ જ એવી નથી, તેમને તો માત્ર લૂંટતા જ આવડે છે. હું માત્ર એટલું કહું છું કે ફક્ત એક વખત આમ આદમી પાર્ટીને તક આપીને જુઓ.
આગળ અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, હું બીજી મહત્વપૂર્ણ વાત કરવા ઈચ્છું છું કે જો તમારા ઘરમાં કોઈ બીમાર થઈ જાય અને તમે સરકારી હોસ્પિટલમાં જાઓ તો ત્યાં સારવાર થતી નથી, ત્યાં મશીનો કામ કરતી નથી, ડોક્ટરો આવતા નથી, નર્સ સાંભળતી નથી, ટેસ્ટ થતા નથી અને સમગ્ર સરકારી હોસ્પિટલોની સ્થિતિ ખરાબ છે. આજે અમે પંજાબમાં દરેક પરિવાર માટે 10 લાખનું ઈન્શ્યોરન્સ કરી દીધું છે. જો કોઈને કેટલીય મોટી બીમારી થઈ જાય અને તે પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ સારવાર કરાવે તો પણ 10 લાખ સુધીની સારવાર મફતમાં થઈ જાય છે. અમે જ્યારથી આ યોજના લાવ્યા છીએ ત્યારથી ભાજપ અને કોંગ્રેસના લોકો અમને ગાળો આપી રહ્યા છે. મારું કહેવું છે કે મુખ્યમંત્રી અને મંત્રીઓની સારવાર મફતમાં થાય છે તો ખેડૂતો, મજૂરો અને વેપારીઓની સારવાર પણ મફતમાં થવી જોઈએ. અમારા ખેડૂતો સૌથી વધારે કામ કરે છે તો સૌથી પહેલા ખેડૂતોની સારવાર મફતમાં થવી જોઈએ અને પછી મંત્રી અને મુખ્યમંત્રીની સારવાર થવી જોઈએ. જો તમે ઈચ્છો છો કે ગુજરાતમાં પણ આવું થવું જોઈએ તો તેના માટે તમને ભાજપને ભગાડવી પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર લાવવી પડશે.
આગળ અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, ત્રીજી મહત્વપૂર્ણ વાત, આજે સમગ્ર પંજાબમાં ઘર માટેની વીજળી મફતમાં મળે છે. ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી મળે છે પરંતુ પંજાબમાં લોકોનો વીજળીનું બિલ શૂન્ય આવે છે. ગુજરાતમાં લોકોને હજારો રૂપિયા વીજળીનું બિલ ચૂકવવું પડે છે, તો ગરીબ માણસ આટલું બિલ કેવી રીતે ભરે? જ્યારે અમે પંજાબમાં વીજળી મફત કરી ત્યારે ભાજપ અને કોંગ્રેસના લોકો અમને ખૂબ ગાળો આપી રહ્યા હતા. તેઓ કહેતા હતા કે “બધાને વીજળી મફત આપવાથી સરકારને નુકસાન થશે” પરંતુ મારું માનવું છે કે જો મુખ્યમંત્રી, મંત્રી અને ધારાસભ્યોની વીજળી મફત છે તો પછી ખેડૂતોને પણ મફત વીજળી મળવી જોઈએ, વેપારીઓને મફત વીજળી મળવી જોઈએ, ગરીબોને મફત વીજળી મળવી જોઈએ, સામાન્ય લોકોને મફત વીજળી મળવી જોઈએ. જો ગુજરાતમાં પણ બધાને મફત વીજળી જોઈએ તો ભાજપને હટાવવી પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર લાવવી પડશે. આગળ અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, ચોથી મહત્વપૂર્ણ વાત, પંજાબમાં ભગવંત માન સાહેબની સરકારે દરેક મહિલાને દર મહિને ₹1000 આપવાનો એલાન કર્યુ છે. અમારી આ યોજના જાહેર કર્યા પછીથી ભાજપ અને કોંગ્રેસના લોકો આ યોજનાનો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે. ગુજરાતમાં પણ આ શક્ય છે જો તમે ભાજપને ભગાડો અને આમ આદમી પાર્ટીની સરકાર લાવો.
આગળ અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, પાંચમી ખાસ વાત કરવી છે, આ ખાસ કરીને આદિવાસી લોકો માટે છે. તેમણે તમારા બાળકોને બરબાદ કરી દીધા છે, અહીં સરકારી શાળાઓની સ્થિતિ ખૂબ ખરાબ છે. અમે પંજાબમાં ઉત્તમ સરકારી શાળાઓ બનાવી છે કે લોકો પોતાના બાળકોને પ્રાઈવેટ શાળાઓમાંથી કાઢીને સરકારી શાળાઓમાં મૂકી રહ્યા છે, અમારી સરકારી શાળાઓના બાળકો મોટી મોટી કોલેજોમાં ભણવા જઈ રહ્યા છે, ઈજનેર બની રહ્યા છે, ડોક્ટર બની રહ્યા છે. અમે સરકારી શાળાના શિક્ષકોને અમેરિકા, કેનેડા, સિંગાપુરમાં ટ્રેનિંગ આપીએ છીએ કારણ કે અમે તમારા બાળકોનું ભવિષ્ય બનાવવા માંગીએ છીએ. આ વાત કોઈ કહી શકતું નથી, ફક્ત કેજરીવાલ કહી શકે છે. હું તમને વચન આપું છું કે આમ આદમી પાર્ટીને મત આપો અને હું તમારા બાળકોનું ભવિષ્ય બનાવી દઈશ, તમારા બાળકો માટે નોકરીની વ્યવસ્થા કરી દઈશ. ઘણા લોકો એવું કહેતા હશે કે અમે તો બાપદાદાના સમયથી ભાજપને મત આપીએ છીએ અથવા કોંગ્રેસને મત આપીએ છીએ તો મારો તેમને એ જ પ્રશ્ન છે કે આ ભાજપ અને કોંગ્રેસે તમને શું આપ્યું? ફક્ત તમને રેલીમાં લઈ જાય છે, ગુંડાગીરી કરાવે છે, પછી જેલમાં મોકલે છે અને પછી જેલમાં સડતા રહો. તો તમે પોતે વિચાર કરો, શું ભાજપના મંત્રીનો દીકરો જેલમાં જાય છે?
આગળ અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, દરેક વખત તમે કમળનું બટન દબાવો છો પરંતુ આ વખતે એવું નહીં થાય, આ વખતે તમે તમારા બાળકો વિશે વિચારો, તમારા પરિવાર વિશે વિચારો. વિચાર કરો કે કઈ પાર્ટી તમારા બાળકોના ભવિષ્યને વધુ સારું બનાવી શકે છે, એક જ પાર્ટી છે અને તે છે આમ આદમી પાર્ટી. ભગવંત માન સાહેબે પંજાબમાં 65000 બાળકોને સરકારી નોકરી આપી છે. એક પણ જગ્યાએ લાંચ લેવામાં આવી નથી, એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર થયો નથી અને કોઈની ભલામણ પણ સાંભળવામાં આવી નથી. છેલ્લા 4 વર્ષમાં પંજાબમાં એક પણ પેપર લીક થયું નથી, કારણ કે અમારી ઈમાનદાર સરકાર છે. કાલે સવારે ભગવંત માનજીએ પોતાની જ પાર્ટીના એક ધારાસભ્યને જેલમાં નાખ્યો, જેના પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. અમારો કોઈ સગો સંબંધિ પણ જો ભ્રષ્ટાચાર કરશે તો તેને પણ જેલમાં જવું પડશે. તેમણે મારા પર ખોટો આરોપ લગાવ્યો કે મેં 100 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો. તેમણે અમારા ઘર અને ઓફિસ પર રેડ પાડી પરંતુ એક પણ પૈસા મળ્યા નહીં. અને થોડા દિવસ પહેલા જ કોર્ટનો નિર્ણય આવ્યો અને કોર્ટએ પણ માન્યું કે “કેજરીવાલ વિરુદ્ધ દાખલ કરાયેલો આખો કેસ ખોટો છે, આમ આદમી પાર્ટી જેવી કોઈ ઈમાનદાર પાર્ટી નથી અને ભાજપ ખોટું બોલી રહી છે” ખોટા કેસમાં તેમણે મને 6 મહિના સુધી જેલમાં રાખ્યો.
આગળ અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતમાં આવનારી ચૂંટણી વિશે કહ્યું કે, હાલમાં ગુજરાતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની ચૂંટણી આવવાની છે અને આ ભાજપ અને કોંગ્રેસના લોકો પોતાના દીકરાઓને ટિકિટ આપશે પરંતુ અમે અમારા બાળકોને ટિકિટ નહીં આપીએ, અમે તમારા બાળકોને ટિકિટ આપશું. મારી અપીલ છે કે વધુમાં વધુ લોકો ટિકિટ માટે અરજી કરે અને તમે લોકો સરકાર ચલાવો, જનતાની સરકાર હશે અને જનતાના કામ થશે. જેમ ખેડૂતના દીકરા ભગવંત માને પંજાબ સંભાળી રાખ્યું છે, તેમ આદિવાસીનો દીકરો પોતાનો વિસ્તાર સંભાળશે. અમે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચાર ખતમ કરીશું. અમારે તેમની ગુંડાગીરી ખતમ કરવી છે, આ લોકો રોજ આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરી રહ્યા છે, તેનો અર્થ એ છે કે ભાજપ ડરી ગઈ છે. આ લોકો કોંગ્રેસના લોકોની ધરપકડ કરતા નથી કારણ કે કોંગ્રેસ પણ તેમની જ છે. પરમદિવસે તેમણે અમારા પાંચ ઉમેદવારોની ધરપકડ કરી લીધી. તેના પહેલા દિવસે ચાર કાર્યકરોની ધરપકડ કરી હતી, તેના પહેલા દિવસે 10 કાર્યકરોની ધરપકડ કરી હતી તો મારું કહેવું છે કે જેટલા લોકોની ધરપકડ કરવી હોય તેટલી કરી લો કારણ કે હવે આ બધું જોઈને ગુજરાતની જનતા પણ ઉભી થઈ ગઈ છે. આજે આખું ગુજરાત બદલાવ માંગે છે અને હું ભગવાન બિરસા મુંડા પાસે પ્રાર્થના કરું છું કે અમને આશીર્વાદ આપે અને અમે સાચા રસ્તા પર ચાલીએ અને અમે એક સાથે મળી સુવર્ણ ગુજરાત બનાવીએ.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એ વિજય વિશ્વાસ સભાને સંબોધતા જણાવ્યું હતું કે ભારે તડકામાં પણ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ એ સ્પષ્ટ સંકેત છે કે જનતા છેલ્લા ત્રીસ વર્ષથી ચાલી રહેલી પરંપરાગત રાજકીય વ્યવસ્થાથી કંટાળી ગઈ છે અને હવે બદલાવ ઇચ્છે છે, જેથી તેમની જિંદગી ફરીથી યોગ્ય દિશામાં આગળ વધી શકે. તેમણે સૌનું સ્વાગત કરતાં જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ એ આમ આદમી પાર્ટી દ્વારા સામાન્ય લોકોને રાજકારણમાં લાવવાનો અને સામાન્ય પરિવારોમાંથી નેતૃત્વ ઊભું કરવાનો અનોખો પ્રયોગ કર્યો છે, જેના પરિણામે આજે દેશભરમાં નવી રાજકીય સંસ્કૃતિ વિકસિત થઈ રહી છે. તેમણે જણાવ્યું કે માત્ર 12 વર્ષમાં AAP રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરી આવી છે અને પંજાબમાં સરકારે વિકાસના નવીન મોડલ રજૂ કર્યા છે. પંજાબમાં ખેડૂતોને દિવસે નિયમિત વીજળી પૂરું પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે તેઓને રાત્રે ખેતી કરવા જવાની ફરજ રહેતી નથી, તેમજ પાકની ખરીદી માટે દરેક ચાર કિલોમીટરે મંડીઓ ઉપલબ્ધ કરાવીને ખેડૂતોને ઝડપી વેચાણ અને સમયસર ચુકવણીની સુવિધા આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે અગાઉ ખેડૂતોને પાક વેચ્યા બાદ મહિનાઓ સુધી ચુકવણી માટે રાહ જોવી પડતી હતી, જ્યારે હવે ઘર પહોંચતા પહેલા જ પૈસા મળવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્રે તેમણે જણાવ્યું કે પંજાબમાં દરેક પરિવારને ₹10 લાખ સુધીનું મફત સારવાર કવર આપવામાં આવ્યું છે, જેના કારણે લાખો પરિવારોને આર્થિક સુરક્ષા મળી છે અને ગરીબ લોકો પણ મોટી હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર મેળવી રહ્યા છે. ભગવંત માને આક્ષેપ કર્યો કે વર્ષોથી લોકો પાસેથી વસૂલવામાં આવતી ટેક્સની રકમનો યોગ્ય ઉપયોગ થતો નથી અને તે ભ્રષ્ટ નેતાઓના હિતમાં વપરાય છે, જ્યારે સામાન્ય લોકો મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરે છે. તેમણે ભાજપ અને કોંગ્રેસ બંને પર નિશાન સાધતા જણાવ્યું કે આ બંને પક્ષો એક જ સિક્કાની બે બાજુઓ છે અને દેશના વિકાસને અટકાવવા માટે જવાબદાર છે. તેમણે વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટી શિક્ષણ, આરોગ્ય, ખેડૂત હિત, મહિલાઓના સશક્તિકરણ અને પારદર્શક શાસન માટે પ્રતિબદ્ધ છે, જેના ભાગરૂપે પંજાબમાં મહિલાઓને માસિક આર્થિક સહાય, 90 ટકા ઘરોમાં મફત વીજળી અને યુવાઓ માટે પારદર્શક ભરતી પ્રક્રિયા અમલમાં મુકાઈ છે. તેમણે જનતાને એકતા દાખવવા અને આમ આદમી પાર્ટીને પોતાની પાર્ટી માનીને આગામી ચૂંટણીમાં સમર્થન આપવા અપીલ કરી હતી.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી એ વિજય વિશ્વાસ સભાને સંબોધતા જણાવ્યું હતું કે ભારે તડકામાં પણ દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકોની હાજરી રાજ્યમાં પરિવર્તનની જાગૃત ઇચ્છાનું પ્રતીક છે. તેમણે કહ્યુ કે જય ભવાની, ભાજપ જવાની, સભામાં ઉઠેલા નારાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે જનતા હવે પરંપરાગત રાજકારણથી કંટાળી ગઈ છે અને નવા વિકલ્પની શોધમાં છે. અરવિંદ કેજરીવાલ એ સામાન્ય લોકોને રાજકારણમાં પ્રવેશવાનો અને નેતૃત્વ કરવાનો અવસર આપ્યો છે, જ્યારે ભગવંત માન ના નેતૃત્વ હેઠળ પંજાબમાં થયેલા વિકાસ અને ડ્રગ્સ વિરુદ્ધના પગલાં એ બદલાવનું જીવંત ઉદાહરણ છે. તેમણે ખાસ કરીને આદિવાસી સમાજના પ્રશ્નોને કેન્દ્રમાં રાખતા જણાવ્યું કે “જળ, જંગલ અને જમીન” તેમના મૂળ અધિકારો છે, છતાં પણ વર્ષો સુધી આ મુદ્દાઓને અવગણવામાં આવ્યા છે અને PESA એક્ટ તથા અનુસૂચિત વિસ્તારોના હકોનો યોગ્ય અમલ થતો નથી. ચૈતર વસાવા ના સંઘર્ષનો ઉલ્લેખ કરતા કહ્યું કે આદિવાસી હકો માટે અવાજ ઉઠાવનારાઓને દબાવવામાં આવે છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે દરેક ગામ અને દરેક પરિવારમાંથી નેતૃત્વ ઊભું થાય અને પોતાનો હક મેળવવા માટે લોકો આગળ આવે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને સામાન્ય પરિવારોમાંથી આવેલા લોકો તાલુકા અને જિલ્લા સ્તરે ચૂંટણી લડીને નેતૃત્વ સંભાળશે. ઇસુદાન ગઢવીએ આગળ જણાવ્યું કે આદિવાસી સમાજને ગુણવત્તાસભર શિક્ષણ, આધુનિક આરોગ્ય સેવાઓ, રોજગારની તકો અને સશક્ત સ્થાનિક શાસન મળવું અનિવાર્ય છે, જેથી તેમના સર્વાંગી વિકાસનો માર્ગ સુગમ બને. સાથે સાથે તેમણે બિરસા મુન્ડા ના સંઘર્ષ અને સપનાઓને યાદ કરીને જણાવ્યું કે આદિવાસી સમાજને એકતા અને જાગૃતિ દ્વારા પોતાના હકો માટે લડવું પડશે.
દાહોદના લીમખેડામાં આયોજિત સભામાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સભામાં ઉપસ્થિત હજારો લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજુબાજુના તમામ વિસ્તારોમાંથી આજે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને આ લોકોની ઉપસ્થિતિ જ બતાવે છે કે ભાજપની સત્તા જઈ રહી છે અને આવનારી જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીની જીત થઈ રહી છે. જ્યારે આપણે” જય જોહાર”નો નારો લગાવતા હતા ત્યારે આરએસએસના લોકો કહેતા હતા કે “આ જય જોહારવાળા લોકો ક્યાંથી આવી ગયા?” પરંતુ આજે ભાજપ અને આરએસએસના તમામ લોકોએ “જય જોહાર”નો નારો લગાવવો પડે છે અને આ આપણા તમામ લોકોને એકતાની જીત છે. આજે ગાંધીનગરમાં જે મોટી મોટી બિલ્ડિંગમાં દેખાઈ રહી છે, ભલે એ સચિવાલયનું બિલ્ડીંગ હોય કે વિધાનસભાનું બિલ્ડીંગ હોય, એમાં પણ દાહોદના આદિવાસી લોકોનું પરસેવો પડેલો છે. કલેકટર કચેરી, તમામ કોર્ટ, કોરિડોર, રેલવે હોય, આવી તમામ જગ્યાએ દાહોદના આદિવાસી લોકોનો પરસેવો પડેલો છે? છતાં પણ આદિવાસી લોકોને સરકારે શું આપ્યું? આજે પણ આપણી શિક્ષકો, શાળાઓ, નોકરીઓ માટે આંદોલન કરવા પડે છે. પછી સરકારો આપણા પર લાઠીચાર્જ કરે છે અને આપણા નેતાઓને દબાવવા માટે ખોટા કેસો કરે છે. મેં આદિવાસીઓના હક માટે, અનુસૂચિ પાંચ માટે, પેસા એક્ટ માટે અવાજ ઉઠાવ્યો, નકલી કચેરીઓ ઉજાગર કરી, કૌભાંડો ઉજાગર કર્યા, એટલા માટે હર્ષ સંઘવી અને ભુપેન્દ્રભાઈ પટેલની સરકારને આ ગમ્યું નહીં અને એટલા માટે મને ખોટા કેસોમાં જેલમાં મોકલવામાં આવ્યો. કોર્ટે મને મારા વિસ્તારમાં પ્રવેશતા પ્રતિબંધ મૂક્યો જેના કારણે છેલ્લા 8 મહિનાથી હું મારા ઘર, મારા ગામ જઈ શકતો નથી. હું ભાજપના લોકોને કહેવા માગું છું કે તમે ચૈતર વસાવાને તેના ઘર ગામ તાલુકા જિલ્લામાંથી બહાર નીકળશો પરંતુ લોકોના દિલમાંથી મને કઈ રીતે બહાર નીકળશો?





