
આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જામનગર ખાતે બાલા હનુમાનજી મંદિરે દર્શન કરીને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. હાલમાં ચાલી રહેલી “પરિવર્તન લાવો, કિસાન બચાવો” યાત્રાનો આ પાંચમો દિવસ છે. આ યાત્રા સોમનાથ મંદિરથી પ્રારંભ થઈ હતી અને સતત ગુજરાતભરમાં આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના ખેડુતો, યુવાનો અને ભાજપના શાસનથી પીડિત લોકો તરફથી આ યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રા આઠમી તારીખે ગાંધીનગર પહોંચશે, જ્યાં વિશાળ ખેડૂત સંમેલન યોજાવાનું છે. મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું કે દારૂ કૌભાંડના નામે ખોટા કેસ કરીને અરવિંદ કેજરીવાલને છ મહિના જેલમાં રાખવામાં આવ્યા હતા તેમજ મનિષ સિસોદિયા સહિત અન્ય નેતાઓને પણ જેલમાં નાખવાના પ્રયાસો થયા હતા. તેમણે આ કાર્યવાહીને રાજકીય ષડયંત્ર ગણાવી અને કહ્યું કે ન્યાયાલયે તમામ નેતાઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ સત્ય અને ધર્મની જીત છે, કારણ કે સત્ય હંમેશા અંતે વિજયી બને છે.
તેમણે ગર્વ વ્યક્ત કર્યો કે આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી છે અને દેશને ભ્રષ્ટાચારમુક્ત વિકલ્પ આપવા માટે સંઘર્ષ કરી રહી છે. તેમણે જણાવ્યું કે અરવિંદ કેજરીવાલજી પર લગાવવામાં આવેલા આક્ષેપો ખોટા સાબિત થયા છે અને હવે પાર્ટી વધુ મજબૂતીથી આગળ વધશે. આગામી ત્રણ તારીખે આવનાર ગ્રહણના દિવસે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના ઘરે અને આસપાસના વિસ્તારોમાં હનુમાન ચાલીસાનો પાઠ કરશે. આ પાઠ દ્વારા સત્યની જીત બદલ ભગવાનનો આભાર વ્યક્ત કરવામાં આવશે અને દેશને “આસુરી શક્તિઓ”માંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવશે. ગ્રહણના દિવસે ભગવાનનું નામ લેવાથી હજાર ગણું પુણ્ય મળે છે એવી માન્યતા સાથે વિશાળ સ્તરે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવશે.




