આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢના કેટલાક વિસ્તાર અને ઉત્તર ગુજરાતમાં અત્યારે બિલકુલ વરસાદ નથી. નિયમ મુજબ પણ સરકારે આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ. પરંતુ આ સરકાર કોઈનું સાંભળતી નથી. સરકારને કોઈ અવાજ ઉઠાવે એ ગમતું નથી, ત્યારે સેંકડો ખેડૂતો ની માંગ હતી કે દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય, પોરબંદર હોય કે જામનગર હોય ‘ઈસુદાનભાઈ અમને ન્યાય અપાવો, ખેડૂતો મારા પ્રાણ સમાન છે. હું રાજનીતિમાં આવ્યો હોઉં તો એનું એક જ કારણ છે,ખેડૂતો, મજૂરો, શ્રમિકો, ગરીબો અને શોષિતોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે મેં રાજનીતિ પસંદ કરી છે. ત્યાર હાલ ખેડૂતો ઉપર મોટી આફત આવી ગઈ છે, અત્યારે પાક સંપૂર્ણ ફેલ ગયો છે, થોડો ઘણો 25 ટકા જ પાક બચ્યો છે, સૌની યોજનાનું પાણી નથી છોડી રહ્યા, ઘાસચારાની સમસ્યાઓ છે, પશુપાલકો પરેશાન છે. તો આ માંગણીઓને લઈને આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, સાથે સાથે સૌની યોજનાનું પાણી જ્યાં જરૂર છે ત્યાં છોડવામાં આવે, વિનામૂલ્યે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે અને ખેડૂતોના હક માટે આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. એ માંગો સાથે હું 29 તારીખથી દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં અનિશ્ચિત કાળ સુધી ધરણા પર બેસવાનો છું. હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે તમારી પીડા એ મારી પીડા છે. ઈસુદાનભાઈ માત્ર વાતો કરીને બેસી નહીં રહે. જ્ઞાતિ, જાતિ, ધર્મ બધું ભૂલીને ખેડૂતોના હક અને અધિકાર માટે સાથે આવો. જ્યાં જ્યાં દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ છે ત્યાં આપણે સાથે મળીશું તો જ ન્યાય મળશે. સાથે સાથે જે ખેડૂતોના વિસ્તારમાં વરસાદ થયો છે તેમને પણ વિનંતી કરું છું કે ભલે તમારે ત્યાં વરસાદ હોય, પણ આ ખેડૂતોની લડાઈ છે જ્યાં પરિસ્થિતિ બહુ ખરાબ છે. ખેડૂતો માટે જ્યારે આંદોલન ચાલી રહ્યું હોય ત્યારે તમે સોશિયલ મીડિયાથી પણ સાથ આપો, પોસ્ટ મૂકો અથવા એક કે બે દિવસ માટે ઈસુદાનભાઈને સાથ આપવા આવો. સરકારને વિનંતી છે કે જો કરવું હોય તો 29 તારીખ સુધીમાં આ કરી દેજો. નહીં કરો તો અમે અનિશ્ચિત કાળ સુધી ધરણા કરીશું અને ખેડૂતોનો હક અને અધિકાર લઈને જ જંપીશું.
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં આ વખતે વરસાદ અસમાન રહ્યો છે જે જગ્યાએ વરસ્યો ત્યાં ખૂબ વરસ્યો અને જ્યાં નથી વરસ્યો ત્યાં બિલકુલ નથી વરસ્યો. શરૂઆતના વરસાદ પછી લાંબા સમય સુધી ખેંચાણ રહેતાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં પાણીના અભાવે પાક સુકાઈ રહ્યો છે અને ખેડૂતો આ વર્ષે મોટું નુકસાન વેઠી રહ્યા છે. પરિસ્થિતિ લગભગ દુષ્કાળ જેવી છે અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ખેડૂતો નિષ્ફળ વર્ષની ચિંતામાં પરેશાન છે. આ કપરા સમયમાં આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સર્વે કરી દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જાહેર કરવાની માંગ સાથે આગામી 29 તારીખથી દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે અનિશ્ચિતકાલીન ધરણા પર બેસવાના છે. અમારી મુખ્ય માંગણીઓ છે કે અસરગ્રસ્ત જિલ્લાઓનો સર્વે કરી તેમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાય, ‘સૌની યોજના’નું સિંચાઈનું પાણી આપવામાં આવે, ખેડૂતોના વીજ બિલ માફ કરવામાં આવે, પશુપાલકોને યોગ્ય વળતર અપાય અને સ્થાનિક ખેતમજૂરો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે. સરકાર ખેડૂતોની આ માંગણીઓ જલ્દીથી સ્વીકારી રાહત પેકેજ જાહેર કરે તેવી વિનંતી છે. હું તમામ ખેડૂત સાથીઓને પણ અપીલ કરું છું કે આપણે સૌ એક થઈને આ લડાઈમાં જોડાઈએ અને અવાજ ઉઠાવીએ, જેથી સરકાર આપણને રાહત આપવા અને ખેડૂતોની વાત માનવા મજબૂર થાય.
આમ આદમી પાર્ટીના ગુજરાત સહ-પ્રભારી દુર્ગેશ પાઠકે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ઓછો વરસાદ થવાના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને લગભગ 90% જેટલો પાક સુકાઈ ગયો છે. આટલી ગંભીર પરિસ્થિતિ છતાં ભાજપ સરકારની ખામોશી ખેડૂતોને સતત પરેશાન કરી રહી છે, ત્યારે ખેડૂતોનો અવાજ બનીને તેમને ન્યાય અપાવવા અને સરકારનું ઘમંડ તોડવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આગામી 29 તારીખથી ખંભાળિયામાં અનિશ્ચિતકાળના ધરણા શરૂ કરશે. આ ધરણા પ્રદર્શન ઈસુદાન ગઢવી પોતે ખેડૂતો, તેમના બાળકો અને તેમના પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે કરી રહ્યા હોવાથી, સમગ્ર ગુજરાતના ખેડૂતો અને જનતાને અપીલ છે કે તેઓ આ આંદોલનમાં જોડાઈને ઈસુદાન ગઢવીને પૂરો સાથ અને સહકાર આપે.
AAP પ્રદેશ સહ પ્રભારી વિનય મિશ્રાએ જણાવ્યુ હતુ કે આજે હું તમારી સામે ગુજરાતના ખેડૂતોના ન્યાયની માંગ કરવા આવ્યો છું. આપ સૌ જાણો છો કે ગુજરાતમાં આ વખતે ઓછો વરસાદ થવાને કારણે ખેડૂતો પર દુષ્કાળની માર પડી રહી છે. પાક સુકાઈ રહ્યો છે અને ખેડૂત માંગ કરી રહ્યો છે કે સરકાર તેમના પર ધ્યાન આપે, પરંતુ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી છે અને કોઈ પણ નેતા તેમની સંભાળ લેવા તૈયાર નથી. તેથી તેમના ન્યાયની માંગ કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી ખંભાળિયામાં 29 તારીખથી ધરણા પર બેસી રહ્યા છે, જે અનિશ્ચિત મુદત સુધી ચાલશે. માટે મારી તમામ સાથીઓને અપીલ છે કે ખેડૂતોની લડાઈ લડવા માટે, ખેડૂતોની માંગ માટે, આપણા અન્નદાતા જેમના કારણે આપણને અન્ન મળે છે તેમની લડાઈ લડવા માટે તમામ ખેડૂત સાથીઓ આ ધરણાં પર પહોંચે.હું આપણા બાકીના ગુજરાતના સાથીઓને પણ અપીલ કરવા માંગુ છું કે ખેડૂતો આપણા અન્નદાતા છે. તેઓ અનાજ વાવે છે ત્યારે જ આપણે પેટ ભરીને ભોજન કરી શકીએ છીએ. તેથી આપણા બાળકો માટે, આવનારા ભવિષ્ય માટે એ જરૂરી છે કે આપણે ખેડૂતોની લડાઈ લડીએ અને ખેડૂતોને ન્યાય અપાવીએ. સૌને અપીલ છે કે 29 તારીખથી એ ધરણાં પર આપ સૌ પહોંચો, ઇસુદાન ભાઈને સપોર્ટ કરો, ખેડૂતોની લડાઈ લડો અને અન્નદાતાઓને આ સૂતેલી સરકાર પાસેથી ન્યાય અપાવો.
આમ આદમી પાર્ટીના પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવે જણાવ્યુ હતુ કે આખા ગુજરાતમાં ભારે વરસાદની ખેંચના કારણે ખેડૂતોના પાક ખૂબ જ ખરાબ રીતે બરબાદ થઈ ગયા છે. આ જ વિષય પર આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે અનિશ્ચિતકાલીન ધરણાં પર બેસી રહ્યા છે. તેઓ 29 ઓગસ્ટથી ધરણાં શરૂ કરવા જઈ રહ્યા છે. તેમની ગુજરાત સરકાર સમક્ષ માંગણીઓ છે કે ખેડૂતો માટે સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવામાં આવે,પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે,ખેડૂતોના વીજળીના બિલ માફ કરવામાં આવે,માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવે અને ખેડૂતો પોતાનું જીવનનિર્વાહ ચલાવી શકે તે માટે તેમને હેક્ટર દીઠ ઓછામાં ઓછું 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવે. તેથી આપ સૌને તમામ સાથીઓને નિવેદન છે કે ગુજરાતના ખૂણે-ખૂણેથી ખેડૂત ભાઈઓ આ અનિશ્ચિતકાલીન ધરણાંમાં આવીને તમામ ખેડૂતોનો ઉત્સાહ વધારે. સાથે જ ગુજરાત સરકારને પણ અપીલ છે કે આ જે પણ ચાર માંગણીઓ રજૂ કરવામાં આવી છે તેના પર વહેલામાં વહેલી તકે વિચાર કરે અને વહેલી તકે તેની જાહેરાત કરે જેથી ખેડૂતોને રાહત મળી શકે.





