
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની CSR સેલ દ્વારા જાહેર આરોગ્યને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ અંતર્ગત AMC અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) વચ્ચે બે અલગ-અલગ CSR પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ બંને MoU આરોગ્ય સેવાઓની ગુણવત્તા વધારવા અને નાગરિકોને વધુ સુલભ તથા અસરકારક સારવાર ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે કરવામાં આવ્યા છે.
આ MoU પર હસ્તાક્ષર IOCLના ગુજરાત સ્ટેટ ઓફિસના DGM (HR) શ્રી એ. કે. રૈના, IOCLના ચીફ મેનેજર (HR-CSR) શ્રીમતી મિલિશા વી., તેમજ AMC METના ડિરેક્ટર શ્રી મનીષ ત્રિવેદીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા.
પ્રથમ CSR પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ સ્થિત નગરી આંખ હોસ્પિટલ ખાતે “સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વિઝન થેરાપી એન્ડ લો વિઝન થેરાપી”ની સ્થાપના કરવામાં આવશે. આ કેન્દ્રમાં બાયનોક્યુલર વિઝન ડિસઓર્ડર ધરાવતા બાળકો માટે અદ્યતન વિઝન થેરાપી તેમજ આંશિક દૃષ્ટિ ધરાવતા બાળકો, પુખ્ત વયના નાગરિકો અને વૃદ્ધો માટે સંપૂર્ણ લો વિઝન રિહેબિલિટેશન સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પ્રોજેક્ટ દ્વારા સરકારી હોસ્પિટલમાં સસ્તી, સુલભ અને સંપૂર્ણ દૃષ્ટિ પુનર્વસન સેવા પૂરી પાડવામાં આવશે. કેન્દ્ર શરૂ થયા બાદ ગુજરાતમાં સરકારી સ્તરે સંપૂર્ણ વિઝન અને લો વિઝન થેરાપી સેવાઓ આપતું આ એક અનોખું કેન્દ્ર બનશે. તે સાથે આ કેન્દ્ર ઓપ્ટોમેટ્રીના વિદ્યાર્થીઓ, સંશોધકો અને ફેલોઝ માટે તાલીમ, સંશોધન અને કૌશલ્ય વિકાસની તકો પણ ઉપલબ્ધ કરાવશે.
બીજા CSR પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદની એલ.જી. હોસ્પિટલને “પ્લ્યુરોસ્કોપ” જેવા અદ્યતન મેડિકલ સાધન માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ સાધન દ્વારા ફેફસાંની પડદાની (Pleural) બીમારીઓનું ઓછા આક્રમક ઉપચાર પદ્ધતિથી ચોક્કસ નિદાન અને સારવાર શક્ય બનશે.
પ્લ્યુરોસ્કોપના ઉપયોગથી દર્દીઓને વધુ ચોક્કસ સારવાર, ઝડપી સાજા થવાનો સમય અને વધુ સારા આરોગ્યનાં પરિણામો મળશે. સાથે જ, એક ટર્શિયરી કેર ટીચિંગ હોસ્પિટલ તરીકે એલ.જી. હોસ્પિટલમાં ડોક્ટરો, વિશેષજ્ઞો અને મેડિકલ વિદ્યાર્થીઓને પ્રાયોગિક તાલીમ અને ક્લિનિકલ કૌશલ્ય વિકસાવવા માટે પણ આ સાધન ઉપયોગી સાબિત થશે.
આ બંને CSR પ્રવૃત્તિઓ AMCની સમાવેશક આરોગ્ય સેવાઓ, જાહેર-ખાનગી ભાગીદારી અને તમામ નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા CSR અંતર્ગત આપવામાં આવેલ સહયોગ માટે AMC દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને આ પ્રકારની ભાગીદારીઓથી શહેરની જાહેર આરોગ્ય વ્યવસ્થામાં મહત્વપૂર્ણ સુધારાઓ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.




