
ક્યુઆર કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો.સબ રજિસ્ટ્રાર કચેરીમાં અશાંતધારાની નકલી પરમિશન રજૂ કરવાનું કૌભાંડ.દસ્તાવેજ તૈયાર કરનાર એજન્ટ શંકાના દાયરામાં: એક સામે ગુનો દાખલ – શાહીબાગ પોલીસમાં ફરિયાદ.શહેરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં મિલકતની નોંધણી કરાવવા માટે સરકારના નિયમોને નેવે મૂકી બોગસ દસ્તાવેજાે રજૂ કરવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદના નરોડા વિસ્તારની મિલકત માટે અશાંતધારાની ખોટી અને ફેબ્રિકેટેડ પરમિશન બનાવી સરકાર સાથે છેતરપિંડી કરવા બદલ શાહીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સબ રજિસ્ટ્રારે દસ્તાવેજ તૈયાર કરનાર એજન્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા ચકચાર મચી ગઈ છે. ગત ૧૫ જુલાઈ ૨૦૨૫ના રોજ નરોડા સર્વે નંબર ૬૨૫માં આવેલ ‘કેસર એક્ઝોટીકા’ ફ્લેટ નંબર ૩૦૧ના વેચાણ અંગેનો દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર કચેરી-૬ (નરોડા) ખાતે રજૂ કરવામાં આવ્યો હતો. વિક્રમભાઈ પટેલ અને ધર્મિષ્ઠાબેન પટેલ દ્વારા મીનાબેન પટેલને વેચવામાં આવેલી આ મિલકત માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટી અને ફી પણ ભરવામાં આવી હતી. જાેકે, જે વિસ્તારમાં આ મિલકત આવેલી છે ત્યાં સરકારનું ‘અશાંતધારા’નું જાહેરનામું અમલી ન હોવા છતાં, દસ્તાવેજ સાથે સિટી ડેપ્યુટી કલેક્ટર (ઈસ્ટ)ની કથિત મંજૂરીનો પત્ર જાેડવામાં આવ્યો હતો. તત્કાલીન સબ રજિસ્ટ્રાર આશિષકુમાર તાવીયાડને આ પરમિશનના લખાણ પર શંકા જતાં તેમણે પત્ર પર રહેલો ક્યુઆર કોડ સ્કેન કર્યાે હતો. સ્કેનિંગ દરમિયાન કોઈ જ ડેટા મળી ન આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. આ અંગે ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં ખરાઈ કરાવતા સ્પષ્ટ થયું હતું કે આવી કોઈ જ પરમિશન કચેરી દ્વારા અપાઈ નથી અને રજૂ કરાયેલો પત્ર સંપૂર્ણપણે ‘ફોર્જડ’ અને ‘ફેબ્રિકેટેડ’ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ખરીદનાર પક્ષના પુત્ર ભાવિકે આ દસ્તાવેજ તૈયાર કરવાનું કામ નવા વાડજમાં રહેતા કામિત હિમાંશુભાઈ રાવલને સોંપ્યું હતું. કામિત રાવલે દસ્તાવેજ અને પરમિશનના કામ પેટે કુલ ૧,૫૭,૬૦૦ રૂપિયા ઓનલાઈન મેળવ્યા હતા. આમ, નાણાં લઈને ખોટી પરમિશન ઊભી કરનાર કામિત રાવલ સામે સબ રજિસ્ટ્રાર હરેશભાઈ મગનભાઈ પરમારે શાહીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે રજિસ્ટ્રેશન એક્ટની કલમ ૮૨ અને ૮૩ તેમજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.





