
Gujarat News: જૂનાગઢ પોલીસ તોડકાંડના તરલ ભટ્ટ બાદ વધુ એક પોલીસ કર્મીની ધરપકડ કરવામાં આવી છે. એસઓજીના સસ્પેન્ડેડ એસઆઈ દીપક જાનીની એટીએસએ ધરપકડ કરી તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા એએસઆઈ દીપક જાનીને જેલ હવાલે કરવાનો હુકમ કરતા તેમને જૂનાગઢ જીલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. હવે એસઓજીના સસ્પેન્ડેડ પીઆઈ અરવિંદ ગોહિલની એટીએસ દ્વારા ક્યારે ધરપકડ થાય તે એક સવાલ છે.
દિપક જાની દ્વારા બેંક ખાતાઓ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા માટે લાંચ માંગવાનો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો
જૂનાગઢ સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપ(એસઓજી)ના સસ્પેન્ડેડ પીઆઈ એ.એમ. ગોહિલ અને એએસઆઈ દિપક જાની દ્વારા બેંક ખાતાઓ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા માટે લાંચ માંગવાનો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો. આ કૌભાંડે સમગ્ર ગુજરાતની પોલીસની આબરૂને બટ્ટો લગાડી દીધો હતો. માણાવદરના સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટે બેંક ખાતાની વિગતો આપતા એસઓજી પીઆઈ ગોહિલ અને એએસઆઈ દિપક જાનીએ મળી અનેક બેંક ખાતાઓ ફ્રીઝ કરાવી દીધા હતા. બાદમાં ખાતાઓ અનફ્રીઝ કરવા લાંચ માંગવામાં આવતી હતી. આ અંગે અરજદાર કાર્તિક ભંડારી દ્વારા આઈજીને ફરિયાદ કરતા તપાસ કરવામાં આવી હતી. તપાસમાં સમગ્ર કૌભાંડ સામે આવતા પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધાયો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ એટીએસને સોંપવામાં આવેલી છે.