Case of death of three lions :ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ સિંહોના આકસ્મિક મૃત્યુના કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે આજે ફરી એકવાર રેલવે અને વન વિભાગને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે તમે અધૂરી માહિતી આપીને બચવા માંગો છો. જાન્યુઆરી 2024માં ત્રણ સિંહોના આકસ્મિક મૃત્યુ અંગેની સુનાવણીમાં હાઈકોર્ટે રેલવે અને વન વિભાગના જવાબોને અધૂરા ગણાવ્યા હતા.
હાઈકોર્ટે કહ્યું કે વિભાગીય તપાસ હાઈકોર્ટ સમક્ષ મુકવામાં આવી છે. અમે ખાતાકીય તપાસ નહીં પરંતુ ઉચ્ચ સ્તરીય તપાસની વાત કરી હતી, જેમાં બંને વિભાગો વચ્ચે સંકલન કરીને તપાસ થશે. ગુજરાત હાઈકોર્ટે રેલવે વિભાગના જવાબને ફગાવી દીધો અને કહ્યું કે આ તપાસનો આદેશ કોણે આપ્યો અને કોણે આ તપાસ હાથ ધરી?
હાઈકોર્ટે વન વિભાગને પણ ફટકાર લગાવી અને કહ્યું કે ગંભીરતાથી કોઈ તપાસ કરવામાં આવી નથી. રેલવે વિભાગના અધિકારીઓ સાથે કોઈ બેઠક યોજાઈ ન હતી. એકાએક બનેલા ત્રણ બનાવો છતાં બંને વિભાગો આંખ આડા કાન કરીને ઊંઘતા રહ્યા. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના મેનેજરને આ ઘટનાની જાણ નથી.
હાઈકોર્ટે સંજ્ઞાન લીધા બાદ જ રેલવે વિભાગે તપાસ હાથ ધરી હતી. આગામી દિવસોમાં ઉચ્ચ સ્તરીય તપાસ થશે, જેમાં રેલ્વે વિભાગના સચિવ અને વન વિભાગના સચિવની દેખરેખ હેઠળ તપાસ હાથ ધરવામાં આવશે અને તેનો અહેવાલ કોર્ટને આપવામાં આવશે.