
કેસર કેરી પર કુદરતનો પ્રહાર! ગુજરાતની શાન એવી કેસર કેરીના અસ્તિત્વ સામે ખતરો બદલાતા હવામાનના કારણે ફ્લાવરિંગને ભારે નુકસાન
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બદલાતા હવામાને હવે ગુજરાતની ઓળખ એવી કેસર કેરીને પણ ઝાટકો આપ્યો છે. દિવસ અને રાતના તાપમાનમાં ભારે તફાવત, સાથે ઝાકળ અને ધુમ્મસના કારણે આંબાના ફ્લાવરિંગને નુકસાન થયું છે. અમરેલી જિલ્લાના ધારી પંથક સહિત અનેક વિસ્તારોમાં ભૂકીછારો રોગ ફેલાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ગુજરાતની ઓળખ એવી કેસર કેરીની મીઠાશ આ વર્ષે કડવી થઈ શકે છે. અમરેલી જિલ્લાના ધારી અને આસપાસના વિસ્તારોમાં, જ્યાં હજારો એકરમાં આંબાના બગીચા ફેલાયેલા છે, વાતાવરણના અણધાર્યા બદલાવથી ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી દિવસ અને રાતના તાપમાનમાં ભારે તફાવત આવ્યો છે. ધુમ્મસ અને ઝાંકળથી ફ્લાવરિંગને ભારે નુકસાન થયું છે. આ વર્ષે ફ્લાવરિંગ વહેલું થયું હતું, પરંતુ અચાનક વરસાદ અને ઠંડકથી ભૂકીછારો રોગે હુમલો કર્યો છે. આ રોગ ફ્લાવર્સને બાળી નાખે છે, જેનાથી કેરીની ઉપજ ૩૦થી ૪૦ ટકા ઘટી શકે છે.
કૃષિ નિષ્ણાતો કહે છે કે, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ફ્લાવરિંગ થાય છે અને ફેબ્રુઆરીમાં કેરી બેસે છે. પરંતુ કમોસમી વરસાદ અને ઠંડીથી આ પ્રક્રિયા વિખરાઈ ગઈ છે. રોગને રોકવા માટે કાર્બન્ડેન્ઝીમ અને નિમ ઓઇલનો ઉપયોગ કરો, પરંતુ વાતાવરણના બદલાવ સામે કોઈ ઉપાય નથી. આ અસરથી કેસર કેરીના ભાવ આસમાને પહોંચી શકે છે. ખેડૂતોની ચિંતા વધી રહી છે, અને ગુજરાતની આર્થિકતા પર પણ અસર પડશે. વાતાવરણ પરિવર્તનની આ ચેતવણી છે – કેસર કેરીની મીઠાશ જળવાઈ રહે તે માટે ક્યારે જાગીશું?




