Gujarat News: જૂનાગઢના ભવનાથમાં આગામી 5 માર્ચથી 5 માર્ચ થી 8 માર્ચ સુધી શિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે. જેના પગલે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી છે. બીજી તરફ આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. ત્યારે સૌપ્રથમવાર શિવરાત્રીનો મેળો પ્લાસ્ટિક મુક્ત યોજવા તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કેમકે હાઇકોર્ટના વલણ બાદ ભવનાથ તળેટીમાં સંપૂર્ણપણે પ્લાસ્ટિક પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં જો કોઈ ભાવિકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરશે તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવશે.
ગિરનારમાં પ્લાસ્ટિકના પ્રદૂષણ મુદ્દે થયેલી પીઆઈએલ બાદ હાઇકોર્ટે તંત્રનો ઉઘડો લીધો હતો
ભવનાથ તળેટીમાં છેલ્લા એક દસકાથી પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ હતો જ પરંતુ તંત્ર દ્વારા તેની અમલવારી કરવામાં આવતી ન હતી. ગિરનારમાં પ્લાસ્ટિકના પ્રદૂષણ મુદ્દે થયેલી પીઆઈએલ બાદ હાઇકોર્ટે તંત્રનો ઉઘડો લીધો હતો. ત્યારબાદ જૂનાગઢ જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે અને હવે આ વર્ષે ભવનાથ તળેટીમાં જે શિવરાત્રીનો મેળો આગામી તારીખ પાંચ માર્ચથી 8 માર્ચ સુધી યોજાવાનો છે ત્યાં સંપૂર્ણપણે પ્લાસ્ટિક પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
જે ભાવિકો ગિરનારના મેળામાં આવે તે પ્લાસ્ટિક લઈને ન આવે, જો પ્લાસ્ટિક લઈને આવશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
આ ઉપરાંત જૂનાગઢ અને ભેસાણ તાલુકાના 27 ગામ પણ ઇકો સેન્સેટિવ ઝોનમાં આવતા હોવાથી ત્યાં કડકપણે પ્લાસ્ટિકના પ્રતિબંધની અમલવારી કરાવવામાં આવશે. આ માટે છ ટીમ તૈયાર કરવામાં આવી છે જેમાં પોલીસ વન વિભાગ, વહીવટી તંત્ર, સ્થાનિક પંચાયતના જવાબદાર અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ જૂનાગઢના શિવરાત્રીના મેળામાં સૌપ્રથમવાર પ્લાસ્ટિક મુક્ત શિવરાત્રીનો મેળો કરવો તંત્ર દાવો કરી રહ્યું છે પણ આ ખૂબ જ પડકાર જનક બાબત છે.