
આર્થિક સંકટમાં છોટાઉદેપુરના ખેડૂતો.કપાસની ખેતી નષ્ટ થઈ સરકારી સહાય હજીયે શૂન્યતંત્ર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, આજદિન સુધી એક પણ રૂપિયો સહાય પેટે મળ્યો નથી.છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકાના ખેડૂતો હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. જે કપાસની ખેતી પર તેમનો જીવનનિર્વાહ ચાલે છે, તે જ કમોસમી વરસાદના કારણે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે. ખેડૂતોના જણાવ્યાનુસાર, તંત્ર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, આજદિન સુધી એક પણ રૂપિયો સહાય પેટે મળ્યો નથી.કપાસની ખેતી આ વિસ્તારના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને કપાસનું વાવેતર કર્યું હતું અને જ્યારે પાકને લણવાનો સમય આવ્યો, ત્યારે કમોસમી વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું. કમોસમી વરસાદના કારણે કપાસના છોડ ઉભેઉભા સુકાઈ ગયા છે. છોડ પર લાગેલા ડીંડવા (કપાસના ફળ) પણ સૂકાઈ જતાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેતી પાછળ કરેલો તમામ ખર્ચ માથે પડ્યો છે અને આવક શૂન્ય થઈ જતાં ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ ગયા છે.
કપાસનો પાક ગુમાવ્યા બાદ ખેડૂતોની પરિસ્થિતિ અત્યંત દયનીય બની છે. ખેડૂતો પાસે શિયાળાની ખેતી કરવા માટે પણ નાણાં નથી. બેન્ક પણ આર્થિક સંકડામણના કારણે નવું ધિરાણ આપવા તૈયાર નથી. બીજી તરફ બજારમાં વેપારીઓ અને દુકાનદારોએ ખેડૂતોને વધુ ધિરાણ આપવાનું બંધ કરી દીધું છે. જેથી જીવન નિર્વાહ ચલાવવો પણ મુશ્કેલ બની ગયો છે. ઘણાં ખેડૂતોને સોના-ચાંદીના દાગીના ગીરવે મૂકવા પડ્યા છે. હાલમાં અન્ય કોઈ મજૂરી કે રોજગારની તક ન હોવાથી “જાયે તો જાયે કહાં” જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
ખેડૂતોની આ કફોડી સ્થિતિ વચ્ચે સૌથી મોટી ચિંતા એ છે કે તંત્ર દ્વારા કપાસના નુકસાન અંગે સહાયની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, ખેડૂત પરિવારોને હજી સુધી એક પણ રૂપિયો મળ્યો નથી.
ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે સરકાર વહેલી તકે સર્વેનું કામ પૂર્ણ કરી અને તત્કાળ આર્થિક સહાય ચૂકવે, જેથી તેઓ દેવામાંથી બહાર આવી શકે અને આગામી શિયાળુ પાકનું વાવેતર કરી જીવન નિર્વાહ ચલાવી શકે. સરકારી તંત્રએ ખેડૂતોની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ તાત્કાલિક પગલાં લેવા અનિવાર્ય છે.




