
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાતમાં ભાજપની સરકારે ૧૨ વર્ષ ઉપરાંત ના ભરચક પ્રયાસો પછી ત્રણ પ્રકારની પ્રજા ઊભી કરી હોય એમ લાગે છે. પ્રજામાં આ જે નવો અને મજબૂત વર્ગ ઊભો થયો છે તેને ભાજપના ખાસ કરીને મોદીના ટેકેદાર થવાની ફરજ પડી છે. જે પ્રથમ વર્ગ છે તે લાભાન્વિત બેનિફિશીયરી વર્ગ છે. લાભાન્વિત વર્ગ એટલે કે એવો વર્ગ કે જેને મોદી સરકારની નીતિઓને કારણે લાભ થયો છે. વડાપ્રધાને ઘણા બધા ઉત્સવો કર્યા. આ ઉત્સવોથી અનેક પ્રકારનું ઉત્પાદન થયું. મંડપવાળા,ખુરશીવાળા, કેટરર્સવાળા, લાઈટોવાળા, બાઈકવાળા,ટ્રાવેલ્સવાળા,પાથરણાવાળા વિગેરેને ખૂબ જ લાભ થયો. એ જ રીતે મોદી સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડ બંધ કરી દીધું એટલે મકાનો બાંધવાનું કામ માત્ર બિલ્ડરો પાસે જ રહ્યું અને એટલે જમીનો અને મકાનો ના ભાવ બિલ્ડરો આસમાને લઈ ગયા અને કરોડો રૂપિયાનો નફો તેમણે કર્યો. એને પરિણામે જમીન વેચનારાઓને લાભ થયો. કારણકે જમીનો NA(બિન ખેતી) થાય તે માટેના માર્ગો મોકળા કરવામાં આવ્યા. એટલે જેમણે મામૂલી ભાવ ની જમીનો ઊંચા ભાવે વેચી તેમને લાભ થયો અને જેઓ રોકાણ કરી શકે તેમણે રોકાણ કરીને તે વેચીને લાભ મેળવ્યો. આ રીતે લાખો-કરોડો રૂપિયા કમાનારા મોદીના ભક્ત થઈ જાય એ સ્વાભાવિક બાબત છે.
એ જ રીતે શિક્ષણ ક્ષેત્રે શાળાઓ અને કોલેજોના નામે હાટડીઓ ખોલવામાં આવી, કે જેને પરિણામે ખાનગી ટ્રસ્ટો ઊભા થયા અને તેમણે હજારો-લાખોમાં ફી લઈને તગડો નફો કર્યો. મોદી સરકારે ખૂબ જ ઓછી સરકારી શાળાઓ અને કોલેજો ખોલી અને ખોલી તો તેમાં ન શિક્ષકો હોય કે ન અધ્યાપકો. એટલે ગુણવત્તા ખૂબ જ ખરાબ. એમાં ગરીબ મા-બાપો પણ પોતાના છોકરા ના મોકલે. એટલે સ્વનિર્ભર શાળાઓ અને કોલેજોના ટ્રસ્ટોને ઘી -કેળા થયા. આવો વર્ગ આખા ગુજરાતમા ખૂબ મોટો છે. અને શિક્ષણને બજારની ચીજ બનાવનારાઓ મોદીની અને ભાજપની તરફેણ કરે એ સ્વાભાવિક છે.
અને આવો જ બીજો એક મોટો વર્ગ ઉદ્યોગપતિઓનો છે. તેમને સરકારે કરોડો રૂપિયાની જમીનો તદ્દન મામૂલી ભાવે કહો કે પાણીના ભાવે વેચી. એમ પણ કહી શકાય કે મોદી સરકારે ગુજરાતને જાણે કે વેચવા કાઢયુ હોય? ગૌચરની જમીનો, પડતર જમીનો અને ખરાબાની જમીનો તદ્દન મામુલી ભાવે ઉદ્યોગપતિઓને મળી, જે કદી તેમને ક્યાંય ભારતમાં મળી જ નથી. આવા ઉદ્યોગપતિઓ મોદીની વાહવાહ ના કરે તો જ નવાઈ. અને તેઓ એમ જ ઈચ્છે કે મોદી વડાપ્રધાન પદે વર્ષો સુધી રહે. કારણ કે તો જ તેમને સમગ્ર ભારતમાં આટલા ઓછા ભાવે જમીનો મળે. “વાઇબ્રન્ટ ગુજરાત” ની પરિષદો મોટેભાગે સરકાર ઉદ્યોગોને જમીનો સાવ સસ્તા ભાવે આપવા માટે તૈયાર છે એની ખાતરી આપવા માટે જ યોજવામાં આવતી હોય એમ હવે તો લાગી રહ્યું છે. ત્યારે સ્વાભાવિક છે કે ઉદ્યોગપતિઓ ભક્ત બની જાય એમાં નવાઈ શું? આમાં પ્રજા બિચારીને તો કાનમાં વિકાસની ગાજરની પીપૂડી નો અવાજ સંભળાય અને ભોળી બિચારી પ્રજા વિકાસ,વિકાસ રમી રમીને પેટ ભરતી જાય.





