
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
૦૧ ,મે ગુજરાત સ્થાપના દિવસને કામદાર દિવસ તરીકે ઉજવવામાં આવી રહેલ છે. અને ગુજરાત સ્થાપના દિવસથી કામદાર દિવસ તરીકે મોટી-મોટી જાહેરાતો, મોટી-મોટી મીંટિંગો, અને પોતાના પાંચ કાર્યકરોને ભેગા કરી નેતાઓ પોતાનો અહમ સંતોષતા હોય છે.
કામદારોના હિત કરતા કામદારોના હિત વિરુધ્ધ કામગીરી વધુ થઈ રહેલી છે.કામદારો વિરુધ્ધ કેટલાક કાયદાઓ બહાર પાડી કામદારોને અન્યાય કરવામાં આવી રહેલ છે. કામદારોનું આર્થિક શોષણ, પાયાનો પ્રશ્ન છે. કામદારોના રહેઠાણ, સ્વચ્છ આવાસ જેવા પાયાના પ્રશ્નો અંગે કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી. જે લોકો અવાજ ઉઠાવે છે તેનો અવાજ સરકારના બહેરા કાન સાંભળતા નથી. કામદારોના હિતમાં રોકવામાં આવેલા અધિકારીઓ તેઓની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ નીવડયા છે. કામદારોના હિતમાં તેઓ વધુ માં વધુ મજૂર અદાલતમાં કેસ મોકલી સંતોષ માને છે. પરંતુ અદાલતમાં ન્યાય મળશે જ એવી કોઈ ગેરેંટી આપી શકે નહી. કામદારોના બાકી પગાર, ચાલુ ફરજે ગેરકાયદેસર રીતે છૂટા કરવા, ગેરકાયદેસર લેબર પ્રેક્ટિસ જેવા કેસોમાં કામદારોને ન્યાયની કોઈ અપેક્ષા રહેતી નથી. છ મહિના, વર્ષમાં નિકાલ થાય તો કામદારને રાહત થાય. પરંતુ મજૂર અદાલતોમાં વર્ષો સુધી એક યા બીજા કારણોસર કેસ લંબાતા જાય છે. પછી ૧૦ વર્ષે કેસનો નિકાલ આવે ત્યારે કામદાર કામ-ધંધા વગરનો બેકાર અને આર્થિક રીતે ભાંગી પાડવાના કારણે માનસિક રીતે ભાંગી પડે છે. વર્ષોથી આ પ્રક્રિયામાં કોઈ ફેરફાર થતો નથી. ટૂંકમાં કામદારોનો ન્યાયમાં વિશ્વાસ રહેતો નથી. અને મોટા ભાગના કામદારો ન્યાય મેળવવા માટે ન્યાયાલય જવાને બદલે બિસ્તરા પોટલાં બાંધી તેઓના વતન જવાનું વધુ પસંદ કરે છે. આમ ૦૧,મે કામદાર દિવસ નામ પૂરતો જ રહેલ છે. કામદારો માટે સાચા અર્થમાં કામદાર દિવસ ઉજવવો ત્યારે જ સાર્થક ગણાય જ્યારે કામદારોનું આર્થિક શોષણ ગેરકાયદેસર રીતે છૂટા કરવા જેવી કામદાર વિરોધી પ્રવૃત્તિ બંધ થાય.
કામદારોના હિતોની માત્ર ને માત્ર કાગળ ઉપર પોકળ વાતો કરવી જ્યારે જમીની સ્તર ઉપર કામદારોની સ્થિતિ કઇંક જુદી હકીકત દર્શાવતી હોય ત્યારે કામદારોના નામે વાતો કરવી કેટલી યોગ્ય છે? હાલ સ્થિતિ એવી છે કે કામદારોના નામે ના કોઈ આંદોલનો કરી શકાય? ના કોઈ આવેદન પત્ર આપી શકાય? કે ના કોઈ રજૂઆત કરી શકાય?ટૂંકમાં કામદાર તરફી કોઈપણ પ્રવૃત્તિને કડક હાથે દાબી દેવામાં આવતી હોય ત્યારે કામદાર દિવસ ઉજવવાનું કોઈ મહત્વ રહેતું નથી.





