
જાેતાં જ ખુશ થઈ ગયા ઇટાલીના PM મોદીએ મેલોનીને ગિફ્ટ કર્યું મેલોડી ચોકલેટનું પેકેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઇટાલીની મુલાકાતે છે, જ્યાં રાજધાની રોમમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઇટાલીની મુલાકાતે છે, જ્યાં રાજધાની રોમમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદી અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મેલોડી ટોફી ચોકલેટનું પેકેટ ગિફ્ટ કર્યું હતું.
મેલોનીએ પોતે પીએમ મોદી તરફથી મળેલી આ ખાસ ભેટ અંગે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેમણે ગિફ્ટ માટે PM મોદીનો આભાર માન્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે યુઝર્સ તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ મળી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમની મુલાકાતની ક્ષણો શેર કરતા, પીએમ મોદીએ કહ્યું કે, રોમ પહોંચ્યા પછી, મને વડાપ્રધાન મેલોની સાથે રાત્રિભોજન માટે જાેડાવાની તક મળી, ત્યારબાદ અમે પ્રતિષ્ઠિત કોલોસીયમની મુલાકાત લીધી. અમે વિવિધ વિષયો પર વિચારોનું આદાનપ્રદાન કર્યું. હું આજે યોજાનારી અમારી ચર્ચાઓ માટે આતુરતાથી રાહ જાેઈ રહ્યો છું, જ્યાં અમે ભારત અને ઇટાલી વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત બનાવવાની રીતો પર અમારી વાતચીત ચાલુ રાખીશું.
બીજી એક પોસ્ટમાં ભારતીય વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરતા મેલોનીએ લખ્યું છે કે, રોમમાં આપનું સ્વાગત છે, મારા મિત્ર! તેમણે ઐતિહાસિક કોલોસિયમ ખાતે તેમના ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા, જેમાં મુલાકાત દરમિયાન તેમની અનૌપચારિક વાતચીતનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીની મુલાકાત એવા સમયે આવી છે જ્યારે ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધો વેગ પકડી રહ્યા છે. બંને દેશો વચ્ચે સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના ૨૦૨૫-૨૦૨૯ને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે, જે મુખ્ય ક્ષેત્રોમાં સહયોગની રૂપરેખા આપે છે.





