
આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરવા માટેના પૂરતા પુરાવા : કોર્ટનું અવલોકન.ખ્યાતિકાંડ : ડો. સંજય અને રાજશ્રી કોઠારીની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી.આ ઘટનામાં આરોપીઓ સામે ચાર્જશીટમાં કુલ ૧૩૦ જણની પૂછપરછ કરીને નિવેદનો નોંધવામાં આવ્યા છે.ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કાંડમાં ડો. સંજય પટોળિયા અને રાજશ્રી કોઠારીની ડિસ્ચાર્જ અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રીકટ જજ કે. એમ. સોજીત્રાએ ફગાવી દીધી છે. કોર્ટનું અવલોકન હતું કે, આરોપીઓ સામે ચાર્જળેમ કરવા માટેના પુરતા પુરાવા છે. જયારે કે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ અને સીઈઓ રાહુલ જૈનની ડિસ્ચાર્જ અરજી હુકમ માટે ૧૬મી ડિસેમ્બરના રોજ રાખવામાં આવી છે. આ કાંડમાં હોસ્પિટલે કોઈપણ જરૂર ના હોવા છતાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરતાં ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવવા પડ્યા હતા.આ મામલે ડો. સંજય અને રાજશ્રી કોઠારીએ ડિસ્ચાર્જ અરજી કરી હતી. જેમાં ખાસ સરકારી વકીલ વિજય બારોટે કોર્ટને જણાવ્યુ હતુ કે, આ આરોપીઓ ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર્સ હોવાથી આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટેની મેડિકલ સેવાઓ અંતર્ગત યોજનાઓના ઓઠા હેઠળ અમદાવાદ શહેર તથા આજુબાજુના વિસ્તારોના ગામડાઓમાંથી દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ગેરકાયદેસર લાવવા માટેના મુખ્ય સૂત્રધારો છે.
દર્દીઓની મેડિકલ હિસ્ટ્રીની વિગતોમાં ફેરફાર કરી યોજના અંતર્ગત વધુ નાણાં મળે તેવા સ્વાર્થ સાથે યોજનાના અલગ અલગ હેડમાં રોકાણ કરતા આવકનું પ્રમાણ વધુ હોય તેવી સારવાર આપી અમાનવિય અભિગમથી ગુનાહિત કાવતરાને અંજામ આપ્યુ હતુ. આરોપીઓ સામે મેજિસ્ટ્રેટ સમક્ષ ડો. જીત બ્રહ્મભટ્ટ, ડો. હિમાની મારકાણા, ડો. નિશીત શાહ, તોરલ ગોસ્વામી, સંજય ગુપ્તા, જાકીર વોરા અને મેહુલ રાજેશભાઈ પટેલે નિવેદનો આપ્યા હતા.આ ઘટનામાં આરોપીઓ સામે ચાર્જશીટમાં કુલ ૧૩૦ જણની પૂછપરછ કરીને નિવેદનો નોંધવામાં આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલમાંથી ૧૯ ઈલેકટ્રોનિકસ પુરાવા કબજે કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી ૩૬ ફાઈલો કબજે અને ૧૧ રજિસ્ટ્રરો કબજે કર્યા હતા. બજાજ એલયાન્સ ઈન્સ્યોરન્સ કંપનીમાંથી એસઓપી તથા દસ્તાવેજાે સામેલ કર્યા છે. સરકાર દ્વારા રચના કરેલી કમિટી પાસેથી તપાસના દસ્તાવેજાે મેળવીને પુરાવા તરીકે સામેલ છે. ખ્યાતિ હોસ્પિટલના ઓડીટ રિપોર્ટ, આરઓસીમાંથી માહિતી મેળવવામાં આવી હતી.




