Gujarat News: આગવી હેરિટેજ વડોદરાની ઓળખ પુનઃપ્રસ્થાપિત કરવા ટીમ વડોદરાના પ્રણેતા વિધાનસભાના દંડકે પ્રયત્ન શરૂ કર્યા છે જેના ભાગરૂપે પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંગેની દરખાસ્ત ટૂંક સમયમાં સ્થાયી સમિતિમાં રજૂ થશે તેમ જાણવા મળે છે.
વડોદરાના સુરસાગર થી લઈને ચાર દરવાજા વિસ્તારની આગવી ઓળખ હતી
વડોદરાના સુરસાગર થી લઈને ચાર દરવાજા વિસ્તારની આગવી ઓળખ હતી અને હેરિટેજ વડોદરાની પુનઃઓળખ થાય તે માટે તજજ્ઞોની સાથે પરીસંવાદ યોજીને વિધાનસભાના દંડક બાળુ શુક્લ અને તજજ્ઞોએ હેરીટેજ વોક કરીને સમગ્ર પ્રોજેક્ટની ચર્ચા કરી હતી. જેમાં નડતરરૂપ વર્ષો જૂની જર્જરીત થઈ ગયેલી પદ્માવતી શોપિંગ સેન્ટર હટાવવામાં આવે તેવા સૂચનો પણ થયા હતા જે બાદ તાજેતરમાં વિધાનસભાના દંડકએ પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે એક સંયુક્ત બેઠક યોજી હતી અને તમામ વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપવાની ખાતરી આપી હતી.
આ બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનરને તમામ માહિતી સાથે દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું જે આધારે આગામી સ્થાયી સમિતિની બેઠકમાં વધારાના કામમાં પદ્માવતી શોપિંગ સેન્ટર હટાવીને વૈકલ્પિક જગ્યા આપવા અંગે ની દરખાસ્ત રજૂ કરવામાં આવશે તેમ જાણવા મળે છે.
નવી જગ્યાનું બાંધકામ થાય તે પૂર્વે પદ્માવતી શોપિંગ સેન્ટર તોડી નાખ્યા પછીના જે સમયમાં વેપારીઓ ને મુશ્કેલી પડે નહીં અને વ્યાપાર ધંધા વ્યવસ્થિત રીતે ચાલુ રહે તે માટે હંગામી ધોરણે પતરાના શેડ લગાવીને વ્યાપારીઓને કોર્પોરેશન મદદરૂપ બનશે તેમ પણ જાણવા મળે છે.
જાણો વહીવટી તંત્રનો નિર્ણય
પદ્માવતી શોપિંગ સેન્ટર તોડી નાખવાની કામગીરી થયા બાદ જે ગાંધીનગર ગૃહ પરથી ઉભા રહીને ન્યાય મંદિરની ઘડિયાળનો સમય જોઈ શકાતો હતો તે ફરીથી જોઈ શકાશે એટલું જ નહીં આ ઈમારત તોડવાની સાથે સાથે ધાર્મિક સ્થાન પણ નડતરરૂપ બનશે તે અંગે વહીવટી તંત્ર શું નિર્ણય લે છે તે જોવાનું રહે છે. હાલમાં પદ્માવતી શોપિંગ સેન્ટરની પાછળ મુખ્ય રસ્તા પર જ પથારાવાડાઓનું દબાણ થઈ ગયું છે અને તેને ક્યારેય પણ હટાવી શકાતું નથી ત્યારે પદ્માવતી શોપિંગ તોડ્યા પછી રસ્તો પહોળો કરવામાં આવશે કે પછી તે જગ્યા પર પણ પથારાવાળાનું સામ્રાજ્ય થઈ જશે તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે.
કારેલીબાગ બ્રિજ પાસે નવ માળની ઈમારતમાં વેપારીઓને જગ્યા અને કોર્પોરેશનની મુખ્ય કચેરી સ્થળાંતર કરવામાં આવશે
વડોદરા શહેરના વીઆઇપી રોડ કારેલીબાગ ફતેગંજને જોડતા બ્રિજને અડીને આવેલી ભૂતકાળની કચરા કેન્દ્રની જગ્યામાં કોર્પોરેશન હવે 50 કરોડના ખર્ચે નવો માળની બહુમાળી ઈમારત તૈયાર કરશે જેમાં પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓને બે માર સુધી દુકાનોની ફાળવણી કરી આપવામાં આવશે. જ્યારે ત્રણથી નવ માળમાં કોર્પોરેશનની હાલ ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્ય કચેરીની તમામ ઓફિસો કાર્યરત કરવામાં આવનાર છે તેમ જાણવા મળે છે.
કોર્પોરેશનના વહીવટી તંત્રએ આ અંગેની પૂર્વ તૈયારી શરૂ કરી છે જેમાં કારેલીબાગ બ્રિજ પાસેની જગ્યામાં 28,000 ચોરસ મીટરનું બાંધકામ કરવામાં આવશે જેની પાછળ રૂપિયા 50 કરોડનો ખર્ચ થશે. જેમાં દુકાનોનું વેચાણ કરીને અંદાજે રૂપિયા 32 કરોડની આવક મેળવવામાં આવશે તેવો અંદાજ છે.
વડોદરા શહેરના વીઆઈપી રોડ પર કારેલીબાગ બ્રિજની બાજુમાં આવેલી ખુલ્લી જમીનમાં કોર્પોરેશન તેની મુખ્ય કચેરીનું સ્થળાંતર કરવાની સાથે સાથે પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓને પણ જગ્યા ફાળવી આપશે તેવા નિર્ણયથી આગામી દિવસમાં વિવાદ પણ સર્જાય તેવી શક્યતાઓ રહેલી છે.