
૨૦ લાખથી વધુની કિંમતનો ૪૦ કિલોથી વધુ ગાંજાે જપ્ત વડાલી પોલીસે ડ્રોનની મદદથી કેશરપુરાની સીમમાંથી ગાંજાનું વાવેતર ઝડપ્યું વડાલી પોલીસે ડ્રોન ફૂટેજમાં શંકાસ્પદ છોડ દેખાતાં પોલીસની ટીમ સાથે ખેતરમાં દરોડો પાડ્યો હતો વડાલી તાલુકાના કેશરપુરા ગામની સીમના એક ખેતરમાંથી ગુરુવારે વડાલી પોલીસે ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરની વિગતો મેળવી હતી. ઉપરાંત મળેલી બાતમી બાદ પોલીસે રૂ. ર૦ લાખની કિંમતનો અંદાજે ૪૦ કિલોથી વધુ નશીલા પદાર્થ તરીકે ઓળખાતા લીલા ગાંજાના છોડ કબજે લઈને એક વ્યકિતની અટકાયત કરી એનડીપીએસ એકટ અંતર્ગત ગુનો નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે વડાલીના પીઆઈ ડી.આર.પઢેરીયા તથા સ્ટાફને ગુરુવારે મળેલી બાતમી મળી હતી કે, કેશરપુરા ગામની સીમમાં આવેલા ખેતરમાં રહેતા મનજી રામજીભાઈ ડુંડએ ખેતરમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર કર્યું છે.
આ બાતમીના આધારે વડાલી પોલીસે બાતમીની ચોકસાઈ કરવા માટે ડ્રોન કેમેરાની મદદ લઈને જે ખેતરમાં ગાંજાનું વાવેતર થયું હતું તેની સચોટ માહિતી મેળવી હતી.વડાલી પોલીસે ડ્રોન ફૂટેજમાં શંકાસ્પદ છોડ દેખાતાં પોલીસની ટીમ સાથે ખેતરમાં દરોડો પાડ્યો હતો.તપાસ દરમિયાન ખેતરમાંથી અંદાજે ગાંજાના ૬૮ છોડ મળી આવ્યા હતા. વડાલી પોલીસે સ્થળ પર ગાંજાના લીલા છોડનું વજન કરતાં અંદાજે ૪૦ કિલો અને ૨૦૦ ગ્રામ હોવાનું જણાવ્યું હતું. હાલ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ આ જથ્થાની કિંમત અંદાજે ૨૦.૧૦ લાખ રૂપિયા થવા જાય છે. જેથી પોલીસે મનજી ડુંડની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આરોપીએ આર્થિક લાભ મેળવવા અને વેચાણના ઈરાદે આ ગેરકાયદે ખેતી કરી હતી. પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.





