આ વર્ષે ગુજરાતમાં ઘણો વરસાદ થયો, આ વરસાદને કારણે ગુજરાતના વિકાસ મોડલ પર અનેક સવાલો ઉભા થયા છે. કારણ કે ચોમાસા દરમિયાન અમદાવાદથી વડોદરા, સુરત સુધીના તમામ શહેરો જળબંબાકાર થઈ ગયા હતા. આ પૂરના કારણે હજારો લોકોને તેમના ઘર છોડવા પડ્યા હતા અને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં હવે અમદાવાદ મ્યુનિસિપાલિટી (AMC)એ શહેરમાં વરસાદી પાણી ભરાતા અટકાવવા માટે એક પ્લાન બનાવ્યો છે.
સ્પોન્જ પાર્ક બનાવવાની યોજના
અમદાવાદ મ્યુનિસિપાલિટીએ રેઈન વોટર હાર્વેસ્ટિંગ એરિયામાં સ્પોન્જ પાર્ક બનાવવાનું આયોજન કર્યું છે. આ યોજના પર કામ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવશે. જે અંતર્ગત શહેરમાં વાસણા, વેજલપુર, બોડકદેવ સહિત 5 સ્થળોએ સ્પોન્જ પાર્ક બનાવવામાં આવશે. સ્પોન્જ પાર્કને વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે ડિઝાઇન કરવામાં આવશે. આવા સ્પોન્જ પાર્ક ચીન, જાપાન, ઈઝરાયેલ સહિત ઘણા દેશોમાં જોવા મળે છે. ભારતમાં ચેન્નાઈમાં પણ આ સ્પોન્જ પાર્ક છે. અમદાવાદમાં પાંચ સ્થળોએ સ્પોન્જ પાર્ક માટે રૂ. 6.5 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
પાર્કમાંથી ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરવામાં આવશે
સ્પોન્જ પાર્ક વિશે માહિતી આપતા અધિકારીએ જણાવ્યું હતું કે શહેરમાં જ્યાં પાણી ભરાય છે ત્યાં પાણીની લાઈનો નાંખીને વરસાદી પાણીને સ્પોન્જ પાર્કમાં લાવવામાં આવશે. જે જમીનની અંદર જઈને ભૂગર્ભ જળને રિચાર્જ કરશે. સ્પોન્જ પાર્ક ચોમાસા દરમિયાન જાહેર જનતા માટે બંધ રહેશે. જ્યારે સ્પોન્જ પાર્ક શિયાળા અને ઉનાળાની ઋતુમાં ખોલવામાં આવશે.