
વધુ ૯૨૬ પી.એમ.શ્રી શાળાઓ શરૂ થશે.ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે.અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ થશે.વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે આજે રાજ્યનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર ગૃહમાં રજૂ થયું છે. પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ નાણામંત્રી કનુભાઇ દેસાઇએ બજેટ રજૂ કર્યું છે. જેમાં યુવા શક્તિને મજબૂત કરવા અને સમાન અવસર આપવાના કેટલાક પગલાંનું ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને આધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનાવાશે.
નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું કે VB-G RAM G (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારીમાં મહત્વપૂર્ણ પ્રગતિ થશે. કામના દિવસો ૧૦૦ થી વધારી ૧૨૫ કરવામાં આવ્યા છે, જેના માટે કુલ રૂ.૧૫૦૦ કરોડનું આયોજન કર્યું છે.
તેમણે જણાવ્યું કે, ગુજરાતની વસ્તીમાં ૩૬% કરતા વધુ યુવા છે. આ યુવા શક્તિને મજબૂત કરવા માટે અને સમાન અવસર આપવા માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા ૯૭ લાખ વિદ્યાર્થીઓને રૂ.૫૯૬૭ કરોડની શિષ્યવૃત્તિ માટે જાેગવાઇ કરું છું.
ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં કૅરિયર ઘડણ કરવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદા સિવાય અને વાર્ષિક રૂ.૨.૫૦ લાખ આવક મર્યાદા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે. શિષ્યવૃત્તિનો લાભ વધુ વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે વાર્ષિક આવક મર્યાદા રૂ.૨.૫૦ લાખથી વધારીને રૂ.૬ લાખ કરવાની જાહેરાત કરું છું.
આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમશાળાઓ અને ગ્રાન્ટ-ઇન-એઈડ છાત્રાલયોમાં અભ્યાસ કરતા.૨,૭૭,૫૫૨ વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય રૂ.૨૧૬૦માં રૂ.૩૪૦નો વધારો કરી રૂ.૨૫૦૦ કરવાની જાહેરાત કરું છું. વધુ ૯૨૬ પી.એમ.શ્રી શાળાઓ શરૂ કરવાના આયોજન સાથે શિક્ષણમાં ગુણવત્તા અને સ્થિરતા જાળવવામાં આવશે.
“એક કેમ્પસ-અવિરત શિક્ષણ-મજબૂત ભવિષ્ય”ના ધ્યેય સાથે બાલવાટિકાથી ધોરણ-૧૦ સુધી સંકલિત શાળાઓ બનાવવાની જાહેરાત કરું છું, જેના માટે રૂ.૧૨૦ કરોડની જાેગવાઇ કરું છું.
ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને આધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે, જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ થશે. આ માટે આ બજેટમાં રૂ.૧૦૦ કરોડની જાેગવાઇ કરું છું.
આદિજાતિ વિસ્તારના તમામ તાલુકાઓમાં ભગવાન બિરસા મૂંડા લાઇબ્રેરીની સ્થાપના માટે આ વર્ષે ૧૫ તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરું છું.
આ સાથે તેમણે જણાવ્યું છે કે, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહમાં રસ વધ્યો છે, જેના કારણે છેલ્લા બે વર્ષમાં કુલ પ્રવેશમાં ૧૯% વધારો થયો છે. આ માટે રૂ.૨૫૦ કરોડની જાેગવાઇ કરું છું. દિવ્યાંગજનને શાળામાં અભ્યાસમાં સરળતા માટે ટ્રાન્સપોર્ટ/એસ્કોર્ટ એલાઉન્સ અને અન્ય સુવિધાઓ માટે આયોજન કરું છું.
અમારી સરકારે કૌશલ્ય વિકાસને પ્રાથમિકતા આપી યુવાનોને આર્ત્મનિભર અને રોજગારલક્ષી બનાવવા અનેક પગલાં લીધા છે. ઉદ્યોગો સાથે ભાગીદારીથી માનવ સંસાધન તૈયાર કરવા “નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન” માટે રૂ.૨૨૬ કરોડની જાેગવાઇ કરું છું. “મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના” હેઠળ ૧ લાખથી વધુ એપ્રેન્ટિસ તાલીમ મેળવે છે. આ માટે રૂ.૮૦ કરોડની જાેગવાઇ કરું છું.




