
ગુજરાત મેરીટાઇમ બોર્ડે રાજ્યમાં બોટિંગ પ્રવૃત્તિઓમાં સલામતી માટે ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ રૂલ્સ, 2024’ જાહેર કર્યા છે.
જેમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડે યાદીમાં જણાવ્યું છે કે રાજ્યમાં આંતરદેશીય જળમાર્ગો પર ચાલતી બોટના રજીસ્ટ્રેશન, સર્વે, પ્લેઝર ક્રાફ્ટ/બોટના સંચાલન માટેની પરવાનગી અને નિયમન માટે વિગતવાર માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.
વધુમાં, રાજ્યના તમામ પ્લેઝર ક્રાફ્ટ/બોટ માલિકોએ ફરજિયાતપણે તેમની બોટ સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરીમાં નોંધણી કરાવવાની રહેશે. બોટની નોંધણી બાદ ગુજરાત મેરીટાઇમ બોર્ડના સર્વેયર દ્વારા બોટનું સર્વેક્ષણ કરવામાં આવશે. બોટ ચલાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા મ્યુનિસિપલ કમિશનર પાસેથી પરમિટની જરૂર પડે છે.
અત્રે નોંધનીય છે કે પ્લેઝર ક્રાફ્ટ/બોટના માલિકોએ પ્રક્રિયા મુજબ નિયત ફોર્મમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ બોટ માલિક આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને બોટને ગેરકાયદેસર ગણવામાં આવશે.
