
ગુજરાતના રસોડામાં પહોંચતા સફેદ ઝેર અને પ્રાણીજ ચરબીના જીવલેણ કારોબારનો પુરાવા સાથે ખુલાસો કરવા અંગે આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. આમ આદમી પાર્ટી અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દૂધ જેવી પવિત્ર વસ્તુના નામે રાજ્યમાં ડબલ કૌભાંડ ચાલી રહ્યું છે. લાંબા સમયથી નકલી અને ભેળસેળયુક્ત દૂધનો કાળો બજાર ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ અને તેમની ટીમ આ સમગ્ર ઓપરેશનની પાછળ તપાસ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જૂનાગઢ નજીક આવેલ હનુમાન ખિજડિયા ગામથી લઈને અરવલ્લી જિલ્લાના બાયડ અને બાલાસિનોર સુધી દૂધના ટેન્કરો મારફતે ભેળસેળયુક્ત દૂધ સપ્લાય કરવામાં આવતું હતું. આજે જે ચર્ચા કરવામાં આવી રહી છે તે માત્ર એક દૂધના ટેન્કર સંબંધિત છે, પરંતુ આવા સેંકડો ટેન્કરો સમગ્ર ગુજરાતમાં કાર્યરત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય પરંપરામાં દૂધને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. દેવતાઓને અર્પણ કરવામાં આવતું દૂધ, તેમજ નાના બાળકોને પીવડાવવામાં આવતું ગાય, ભેંસ કે બકરીનું દૂધ — તે જ દૂધના નામે આજે ઝેર પીવડાવવામાં આવી રહ્યું છે, જે અત્યંત ગંભીર બાબત છે. યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ દૂધમાં સોયા તેલ, નાળિયેર તેલ, પામ તેલ, ગાયનું માંસ જેવા પદાર્થો ભેળવી ફેબ્રિકેટેડ દૂધ બનાવવામાં આવતું હતું. આ મુદ્દે ફૂડ સેફ્ટી અને ડ્રગ્સ વિભાગના અધિકારીઓને, મામલતદારને તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. દૂધ કબજે લેવડાવી તેની તપાસ કરાવવામાં આવી હતી.
પ્રાપ્ત થયેલા રિપોર્ટ મુજબ દૂધમાં અનિચ્છનીય અને હાનિકારક મિશ્રણ મળ્યાનું જણાવાયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે દૂધમાં યુરિયા તથા અન્ય રાસાયણિક પદાર્થો પણ ભેળવવામાં આવતા હતા જેથી દૂધની જાડાઈ અને દેખાવ કૃત્રિમ રીતે વધારી શકાય. રાજસ્થાનના સાચોર વિસ્તારમાંથી ઓછા ભાવે દૂધ ખરીદી તેને વધુ ભાવે વેચાણ માટે તૈયાર કરવામાં આવતું હતું. જ્યારે તેઓ દૂધના ટેન્કરને અનુસરી રહ્યા હતા, ત્યારે તેમના ઉપર અનેક વખત હુમલો કરવામાં આવ્યો. પહેલા લાકડાં વડે, ત્યારબાદ લોખંડના રોડ વડે હુમલો થયો. તેમની ગાડી રોકી કાચ તોડી નાખવામાં આવ્યા અને ડ્રાઈવર પર પણ ગંભીર હુમલો થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. છતાં, અત્યાર સુધી સંબંધિત પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ યોગ્ય ફરિયાદ નોંધાઈ નથી.તેમણે વધુમાં જણાવ્યું કે થોડા દિવસો અગાઉ રાજસ્થાનમાં એસઓજી દ્વારા આશરે 80,000 લિટર કેમિકલયુક્ત દૂધ ઝડપાયું હતું અને તે જ આરોપીઓ તથા વાહનો ગુજરાતમાં ચાલી રહેલા આ દૂધ કૌભાંડમાં સંકળાયેલા હોવાની શક્યતા છે. દૂધનો સત્તાવાર રિપોર્ટ આવી ગયો હોવા છતાં હજુ સુધી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર દૂધમાં હાનિકારક તત્વો હોવાની પુષ્ટિ થાય છે. તેથી રાજ્ય સરકાર, મુખ્યમંત્રી તથા સંબંધિત મંત્રીઓને ફૂડ સેફ્ટી એક્ટ અને ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આ તકે આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભેંસાણ તાલુકાના ખજૂરી હડમતિયા ગામથી માત્ર ૨ કિલોમીટરના અંતરમાં આવેલ હનુમાન ખિજડીયા ગામમાં ઝેરી કેમિકલયુક્ત દૂધ બનાવવાની ફેક્ટરી યુવરાજસિંહ જાડેજાએ પકડી પાડી છે તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવુ છું. પેપર ફુટવાથી લઇને ઝેરી દૂધ બનાવવાની ફેક્ટરી પકડવાનું કામ યુવરાજસિંહ કરી રહ્યા છે ત્યારે મારુ માનવુ છે કે ગુજરાતના સંબંધિત મંત્રીઓએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ અને યુવરાજ સિંહને મંત્રી બનાવવા જોઇએ, જેથી કરીને તે સારુ કામ કરી શકે. દૂધનો સંબંધ સીધો માનવજીવન સાથે છે. દૂધમાં ગાયની ચરબી, યુરિયા ખાતર અથવા અન્ય રસાયણો ભેળવવામાં આવે અને એવું દૂધ અમરેલી, વિસાવદર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં બને, પછી તે સહકારી ડેરીઓમાં જમા થાય અને બ્રાન્ડેડ કંપનીઓના પેકિંગ દ્વારા લોકોના ઘરમાં પહોંચે છે અને આપણે સૌ આ દૂધ પીએ છીએ. તો આ અત્યંત ગંભીર ગુનો કહેવાય છે. યુવરાજ સિંહે જીવના જોખમે સ્ટિંગ ઓપરેશન દ્વારા આ સમગ્ર કૌભાંડ બહાર લાવ્યું છે. આવા કાર્ય માટે સરકાર દ્વારા તેમને શાબાશી આપવી જોઈએ, સન્માનિત કરવા જોઈએ, વિધાનસભામાં બોલાવી અભિનંદન આપવા જોઈએ અને મુખ્યમંત્રી તથા કેબિનેટ મંત્રીઓએ તેમની પ્રશંસા કરવી જોઈએ. પરંતુ તેના બદલે તેમની એફઆઈઆર પણ લેવામાં આવી નથી. જે દુર્ભાગ્યપૂર્ણ છે.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ કર્યું કે આ મુદ્દો કોઈ એક વ્યક્તિ અથવા કોઈ એક રાજકીય પક્ષનો નથી. જો ગુજરાતમાં ગાયની ચરબી અને યુરિયા ખાતરથી બનેલું દૂધ વેચાતું હોય, તો તે બનાવવામાં આવે છે, ટેન્કરોમાં ભરી સહકારી ડેરીઓમાં જમા થાય છે અને સરકાર સામે આ બધું ચાલતું રહે છે. તો આ સફેદ દૂધના નામે કાળો કારોબાર છે. તેમણે વધુમાં જણાવ્યું કે સામાન્ય નાગરિકને કેવી રીતે ખબર પડે કે તેના ઘરમાં આવતું દૂધ યુરિયા ખાતર અને ચરબીનું દૂધ છે? આ ચિંતાને કારણે હું પોતે વર્ષોથી બજારમાંથી ખરીદેલું દૂધ પીતો નથી. પશુવસ્તિ ગણતરીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભારત સરકારની ગણતરી પ્રમાણે નોંધાયેલા પશુઓની સંખ્યા કરતાં ચાર ગણું દૂધ ઉત્પાદન ગુજરાતમાં કેવી રીતે શક્ય બને? ગામમાં બે ભેંસ અને ચાર ગાયો હોય, છતાં 5 હજારો લિટર દૂધનું ઉત્પાદન દર્શાવવામાં આવે, તો સ્પષ્ટ છે કે તેમાં ભેળસેળ અથવા કેમિકલનો ઉપયોગ થતો હશે. મૂળ પશુ સંખ્યાથી અનેકગણું વધુ દૂધ બજારમાં આવવું એ ગંભીર શંકાનો વિષય છે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે આ મુદ્દે તેઓ વિધાનસભામાં સરકાર સમક્ષ પણ રજૂઆત કરશે. યુવરાજસિંહ જાડેજા સ્ટિંગ ઓપરેશન દ્વારા આ કૌભાંડ બહાર લાવ્યા છે, તેમને અને સંબંધિત લોકોને આમ આદમી પાર્ટી તરફથી સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. કોઈપણ સંજોગોમાં ગાયની ચરબી અને યુરિયા ખાતરથી બનેલા દૂધના કારોબારને સમર્થન આપવામાં નહીં આવે અને તેનો કડક વિરોધ કરવામાં આવશે.




