શનિવારે ગુજરાતમાં ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા આંકડા મુજબ નવસારી જિલ્લાના ગણદેવીમાં સૌથી વધુ 156 મીમી વરસાદ નોંધાયો છે. આઠ તાલુકામાં 100 થી 156 મીમી વરસાદ, 14 તાલુકામાં 25 થી 89 મીમી વરસાદ નોંધાયો છે. વલસાડમાં 148 મીમી જ્યારે નવસારી જીલ્લાના ખેરગામમાં 130 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન છે. જેના કારણે અરબી સમુદ્રમાંથી ભેજ મેદાનો તરફ આવી રહ્યો છે. ઉપરાંત, ગુજરાતના દરિયાકાંઠેથી ઉત્તર કેરળના દરિયાકાંઠે ટ્રફ લાઇન સક્રિય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ હવામાન પ્રણાલીની અસરને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગે 14 થી 18 જુલાઈ દરમિયાન ગુજરાત પ્રદેશમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ 14 અને 15 જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અંગે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે 16 થી 18 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ફરી ભારે વરસાદ જોવા મળશે. આ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી 24 કલાકની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશના અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી જિલ્લામાં જુદા જુદા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લામાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ છે.