
ISIS terrorists arrested : ગુજરાતમાં એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે, ગુજરાત ATSએ એક મોટી કાર્યવાહીમાં અમદાવાદ એરપોર્ટ પરથી શ્રીલંકન મૂળના ISISના ચાર આતંકીઓની ધરપકડ કરી છે. ATSએ તપાસ શરૂ કરી છે કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓ સ્લીપર સેલ છે કે નહીં.
કેન્દ્રીય એજન્સી તરફથી ઇનપુટ્સ પ્રાપ્ત થયા હતા
મળતી માહિતી મુજબ, ગુજરાત ATSને કેન્દ્રીય એજન્સી તરફથી ઇનપુટ મળ્યા હતા. ત્યારબાદ એટીએસ દ્વારા એરપોર્ટ પર સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને મૂળ શ્રીલંકાના નાગરિકો એવા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા ચારેય લોકોનું ગુજરાત કે અન્ય કોઈ રાજ્યમાં કોઈ કનેક્શન છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય એજન્સી છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ એરપોર્ટ પર સોના અને અન્ય ચીજવસ્તુઓની દાણચોરી પર ચાંપતી નજર રાખી રહી છે. દરમિયાન, કેન્દ્રીય એજન્સી દ્વારા ગુજરાત ATS સાથે કેટલાક ઇનપુટ શેર કરવામાં આવ્યા છે.
લાંબા સમયથી આતંકવાદી સંગઠનમાં સક્રિય છે
આ પછી એટીએસની ટીમ દ્વારા એરપોર્ટ પર નજર રાખવામાં આવી હતી. જે દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ નજરે પડતાં તેની સઘન પૂછપરછ કરતાં ચાર લોકોના નામ બહાર આવ્યા હતા. ધરપકડ કરાયેલા ચાર લોકો ISIS સાથે સંકળાયેલા છે અને લાંબા સમયથી આ આતંકી સંગઠનમાં સક્રિય હતા.
IPLની બે મેચ 21 અને 22 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આજે અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓની ધરપકડ બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. એરપોર્ટ હાલ હાઈ એલર્ટ પર છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા લોકસભા ચૂંટણી 2024ની ગુજરાત સીટો માટે મતદાન પહેલા 16 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મેઈલમાં મળી હતી. ત્યારે પોલીસે શાળાની સુરક્ષા વધારી સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.
