Gujarat Weather: હજુ તો માર્ચ મહિનો પુરો નથી થયો અને કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આજે પણ અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગુરૂવારે તાપમાનનો પારો 41 ડિગ્રી સે. નોંધાયો હતો જ્યારે આજે ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચવાની આગાહી પણ કરવામાં આવી રહી છે. તો આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી આપણે જોઇએ.
અભિમન્યુ ચૌહાણે આપેલી માહિતીમાં જણાવ્યુ…
હવામાન વિભાગના અમદાવાદના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે ગુરૂવારે આપેલી માહિતીમાં જણાવ્યુ હતુ કે, આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેશે. પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી. જ્યારે તાપમાનમાં ઘટાડો થશે. 24 કલાક બાદ (એટલે કે આજથી) કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી
ગુરૂવારે નોંધાયેલા તાપમાન અંગે અભિમન્યુ ચૌહાણ જણાવે છે કે, ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી કે તેની ઉપર રહ્યું છે. જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી આ સાથે રાજકોટમાં 41 ડિગ્રી, અમરેલી 40, અને સુરેન્દ્રનગરમાં પણ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગર, ડિસા અને આણંદમાં વોર્મ નાઈટ (રાત્રીનું તાપમાન પણ ઊંચું નોંધાવું) અનુભવાઇ હતી.
હવામાન વિભાગની વેબસાઇટ પરથી મળતી માહિતી પ્રમામે આજે વોર્મ નાઇટની ચેતવણી છે. જેમા ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા અને આણંદ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ રાત્રીના ગરમ વાતાવરણની સંભાવના છે.
ગુજરાતીઓ તપવા માટે તૈયાર રહેજો કારણ કે માત્ર 15 જ દિવસમાં સુરજદાદા પોતાનો પ્રકોપ દેખાડશે તેવી શક્યતા દર્શાવાવમાં આવી છે. હવામાન વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પારો 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે.