આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ચૈતર વસાવા મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે સરકાર તરફથી એવી દલીલો કરવામાં આવી કે ચૈતરભાઈ વસાવા વારંવાર વિવિધ ગુનાઓ કરે છે. પરંતુ આપણને સૌને ખબર છે અને આપણે જાણીએ પણ છીએ કે ચૈતરભાઈ વસાવાનો કોઈ વાંક કે ગુનો નહોતો. કાચનો ગ્લાસ મારવાની ઘટના તો ઊભી કરવામાં આવી હતી. આ સિવાય, જે વન કર્મચારીએ રાત્રે બે વાગ્યે આવીને ખેડૂતોનો ઊભો પાક કાપી નાખ્યો હતો, ત્યારે ચૈતરભાઈએ એક જવાબદાર ધારાસભ્ય તરીકે ત્યાં જઈને સમાધાન કરાવ્યું હતું. પરંતુ ભાજપ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે. ભાજપ નથી ઈચ્છતી કે આદિવાસીઓ જાગૃત થાય કે આદિવાસી સમાજમાંથી કોઈ મજબૂત નેતા આગળ આવે. એટલા માટે જ ભાજપે ચૈતરભાઈ વસાવાને જેલમાં પૂર્યા અને કોર્ટમાં એવી દલીલો કરાવી કે એમની સામે બીજો કેસ છે, ત્રીજો કેસ છે.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યુ હતુ કે આપણને સૌને ખબર છે કે જે બીજો ગ્લાસ વાળો કેસ છે, એ પણ ગુજરાતના નાગરિકોના હકની લડાઈમાં જ ચૈતરભાઈએ મુદ્દો ઉઠાવ્યો હતો. ફેક્ટરીમાં કે ઘટનાસ્થળે જે શ્રમિકો અને મજૂરો મૃત્યુ પામ્યા હતા, એમના પરિવારજનોને યોગ્ય વળતર મળે તે માટે ચૈતરભાઈ ત્યાં પહોંચ્યા હતા. તો તેમણે શું ગુનો કર્યો? ચૈતરભાઈએ કોઈની હત્યા કે ચોરી નથી કરી, ચૈતરભાઈ દારૂ નથી વેચતા, ચૈતરભાઈએ કોઈનું મર્ડર નથી કર્યું. ચૈતરભાઈએ માત્ર આદિવાસીઓના હક અને અધિકાર માટે તથા ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું છે, અને એટલા માટે જ ભાજપે તેમને જેલમાં પૂર્યા છે. અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો આખો આદિવાસી સમાજ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી ભાજપને આગામી સમયમાં સણસણતો જવાબ આપશે. આદિવાસી સમાજ જોઈ રહ્યો છે કે આપણા ચૈતરભાઈને ભાજપ કઈ રીતે હેરાન કરી રહી છે. રહી વાત અદાલતની, તો અદાલતનો જે પણ નિર્ણય આવ્યો છે, અમે એ નિર્ણય વિરુદ્ધ ઉપલી અદાલતમાં (હાઈકોર્ટ/સુપ્રીમ કોર્ટ) જઈશું. મારી લીગલ ટીમ (વકીલો) સાથે પણ વાત થઈ ગઈ છે. આગામી સમયમાં આ મામલે અમે ઉપલી અદાલતમાં અપીલ કરીશું અને અમને પૂરો વિશ્વાસ છે કે ન્યાયતંત્રમાંથી સારો નિર્ણય આવશે.





