૫ લાખથી વધુના ડ્રગ્સ મામલે ઝડપાયો એક્ટર શાહિદ કપૂરના કો-સ્ટાર રોહુલ્લાહ મેહદીની ડ્રગ્સ કેસમાં ધરપકડ ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે સ્નેપચેટ, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા અપ પર એમડી ડ્રગ્સનું રેકેટ ચાલે છે
મુંબઈમાંથી ફરી એકવાર બોલીવુડ અને ડ્રગ્સનું કનેકશન ઉજાગર કરતી ઘટના સામે આવી છે. મીરા રોડના કાશિમીરા વિસ્તારમાં પોલીસની કાર્યવાહી દરમિયાન ૫ લાખથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ૨ લોકોની ધરપકડ કરવામાં આવી. જેમાં શાહિદ કપૂરની ફિલ્મ દેવામાં કામ કરી ચુકેલા એક્ટર રોહુલ્લાહ મેહદીની મુખ્ય આરોપી તરીકે ધરપકડ થઈ છે.
આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે સ્નેપચેટ, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા અપ પર એમડી ડ્રગ્સનું રેકેટ ચાલે છે. આ બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની ટીમે નકલી ગ્રાહક તૈયાર કરી આરોપીઓને રંગેહાથ પકડવા માટે ઓપરેશન શરુ કર્યું હતું.
પોલીસના નકલી ગ્રાહકે આરોપી પાસેથી ૨૮ ગ્રામ એમડી ડ્રગ્સ મંગાવ્યું. જ્યારે આરોપી ડિલીવરી આપવા આવ્યો ત્યારે પોલીસની ટીમે તેને દબોચી લીધો. ત્યારબાદ પુછપરછ દરમિયાન આરોપીએ મુખ્ય વ્યક્તિ એટલે કે એક્ટર રોહુલ્લાહ મેહદીનું નામ આપ્યું.
પોલીસે એક્ટર વિરુદ્ધ પુરતી જાણકારી મેળવ્યા પછી એક્ટર રોહુલ્લાહ મેહદીને શૂટિંગના સેટ પરથી જ ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવેલી જાણકારી અનુસાર રોહુલ્લાહ મેહદી જમ્મૂ કાશ્મીરના બડગામ જિલ્લાનો રહેવાસી છે. કામના કારણે તે મુંબઈના ગોરેગાંવમાં રહેતો હતો.
રોહુલ્લાહ મેહદી એક્ટર અને મોડલ છે. તેણે શાહિદ કપૂરની ફિલ્મ દેવામાં કામ કર્યું છે અને સાથે જ અલગ અલગ વેબ સીરીઝમાં પણ એક્ટિંગ કરી છે.
પોલીસ આ મામલે તમામ એંગલ તપાસ કરી રહી છે. પોલીસ એવી તપાસ પણ કરી રહી છે કે એક્ટર રોહુલ્લાહ મેહદી સિવાય ડ્રગ્સ રેકેટ સાથે અન્ય કોઈ એક્ટર જાેડાયેલા છે કે નહીં. પોલીસે હાલ રોહુલ્લાહ મેહદીને કોર્ટમાં રજૂ કરી ૫ દિવસની કસ્ટડીમાં મોકલ્યો છે.





