
સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ પ્રદર્શિત કરી.પીએમ મોદીના ભવ્ય રોડ શોમાં જુનિયર બચ્ચને આકર્ષણ જમાવ્યું.મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલા પિનાકીન ગોહિલે પ્રધાનમંત્રીના રોડ શો દરમિયાન સોમનાથ મંદિરની પ્રતિકૃતિ પ્રદર્શિત કરી.જ્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હોય છે, ત્યારે જનતાનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે. હાલમાં જ સોમનાથની ભૂમિ પર જ્યારે પ્રધાનમંત્રી પધાર્યા, ત્યારે તેમને આવકારવા માટે માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ દૂર-દૂરથી તેમના પ્રશંસકો ઉમટી પડ્યા હતા. આ ભીડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ભાવનગરના વતની અને ‘જુનિયર બચ્ચન‘ તરીકે જાણીતા કલાકાર પિનાકીન ગોહિલ, જેઓ પ્રધાનમંત્રી પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કરવા ખાસ સોમનાથ પહોંચ્યા હતા.
મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલા પિનાકીન ગોહિલે પ્રધાનમંત્રીના રોડ શો દરમિયાન સોમનાથ મંદિરની પ્રતિકૃતિ પ્રદર્શિત કરી હતી. આ પ્રતિકૃતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે તેમના સ્વર્ગસ્થ માતા હીરાબાની તસવીર અંકિત કરવામાં આવી હતી.
આ ઉપરાંત, સોમનાથના પુન:નિર્માણના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ની પ્રતિમા અને સોમનાથની રક્ષા માટે બલિદાન આપનાર વીર હમીરજી ગોહિલ અને ઓપરેશન સિંદૂરની સફળતાને પણ તેમાં દર્શાવવામાં આવી છે.
તેમણે પ્રધાનમંત્રીના રાષ્ટ્ર ઉત્થાનમાં યોગદાનની સરાહના કરતા જણાવ્યું હતું કે, સોમનાથમાં અમૃત પર્વની ઉજવણીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે, સોમનાથ મંદિર પર જલાભિષેક સહિતના કાર્યક્રમથી ભાવિકો ઉત્સાહિત છે. તેમણે એમ પણ કહ્યું કે, પ્રધાનમંત્રી દેશ દુનિયામાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે અને સૌને સાથે રાખીને દેશને પ્રગતિના પંથ પર અગ્રેસર કર્યો છે. ઉપરાંત લોકોને સોમનાથની પાવન ભૂમિ પર અચૂક દર્શનાર્થે આવવા માટે પણ અપીલ કરી હતી.





