
અન્ય રાજ્યોમાંથી દારૂ ઘુસાડવાનું પ્રમાણ.ગુજરાતમાં દારૂનો દરિયો, એક જ વર્ષમાં ૨૩૧ કરોડનો વિદેશી દારૂ પકડાયો.ગુજરાતમાં કહેવાતી નશાબંધી વચ્ચે દારૂ અને ડ્રગ્સની હેરાફેરીના જે આંકડા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે.ગુજરાતમાં કહેવાતી નશાબંધી વચ્ચે દારૂ અને ડ્રગ્સની હેરાફેરીના જે આંકડા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે, તે ચોંકાવનારા છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સંકલિત માહિતી મુજબ, રાજ્યમાં માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ, બિયર અને ઘાતક ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. આ આંકડા સાબિત કરે છે કે બુટલેગરો અને ડ્રગ માફિયાઓ પોલીસના ડર વગર રાજ્યમાં નશાનું નેટવર્ક ચલાવી રહ્યા છે.
વિધાનસભામાં રજૂ થયેલી વિગતો અનુસાર, છેલ્લા એક વર્ષમાં રાજ્યભરમાંથી કુલ ૨૩૧ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ અને વેચાણમાંથી ૧૪ કરોડ ૯૦ લાખનો દેશી દારૂ પણ જપ્ત કરાયો છે. બિયરનો ૨૨ કરોડ ૬૪ લાખનો જથ્થો પણ પોલીસ ચોપડે નોંધાયો છે.
દારૂની સાથે સાથે ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ પણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. ગૃહમાં અપાયેલી માહિતી મુજબ, ૩૩૭ કરોડ રૂપિયાના ડ્રગ્સ અને અન્ય નશાકારક પદાર્થો પકડાયા છે. આ નશાના કાળા કારોબારમાં વપરાતા વાહનો પર પણ તંત્રએ તરાપ મારી છે, જેમાં દારૂ અને ડ્રગ્સની હેરાફેરી કરતા ૧૩૭ કરોડની કિંમતના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.
આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં નશાબંધી હોવા છતાં અન્ય રાજ્યોમાંથી દારૂ ઘુસાડવાનું પ્રમાણ ઘટ્યું નથી. વિપક્ષ દ્વારા આ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે, જ્યારે સત્તાપક્ષે આ આંકડાઓને પોલીસની સતર્કતા અને મોટી રિકવરી તરીકે દર્શાવ્યા છે. જાેકે, સામાન્ય જનતા માટે આ આંકડા ચિંતાનો વિષય છે.





