
દારૂની હેરાફેરીનો પર્દાફાશ વાડોદર પાસે નાકાબંધી કરી ૭૭ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો ટ્રકની તલાશી લેતા ૯૦ મગફળીની બોરીઓ નીચે બનાવેલા ગુપ્ત ખાનામાંથી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો
પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોરવા તાલુકાના વાડોદર ગામેથી એક મોટી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ન્ઝ્રમ્ એ ચોક્કસ બાતમીના આધારે નાકાબંધી ગોઠવી મગફળીની બોરીઓ નીચે છુપાવેલો વિદેશી દારૂનો વિપુલ જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે રૂ. ૭૭.૧૬ લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
પંચમહાલ LCB બાતમી મળી હતી કે, એક ટાટા ટ્રક (નંબર જી.જે.૨૩ વી. ૮૨૫૮) માં અલગ ખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. આ ટ્રકનું પાઇલોટીંગ એક મારૂતી સ્વીફ્ટ કાર (નંબર આર.જે. ૦૩ સી.સી. ૨૬૩૮) કરી રહી હતી અને વાહનો સંજેલી તરફથી મોરવા હડફ તરફ આવી રહ્યા હતા.આ બાતમીના આધારે LCBસ્ટાફે વાડોદર ગામે રોડ ઉપર નાકાબંધી કરી હતી. બાતમીવાળા બંને વાહનો આવતા જ પોલીસે તેમને અટકાવ્યા હતા. ટ્રકની તલાશી લેતા ૯૦ મગફળીની બોરીઓ નીચે બનાવેલા ગુપ્ત ખાનામાંથી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. ટ્રક, કાર, મગફળીની બોરીઓ, તાડપત્રી, દારૂનો જથ્થો અને અન્ય સામાન મળી કુલ રૂ. ૭૭,૧૬,૨૪૪/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
જ્યારે પરેશભાઈ શાન્તુભાઇ ચારેલ (રહે. ફતેપુરા, દાહોદ), ઇરફાનખાન યુસુફખાન પઠાણ (રહે. બાસવાડા, રાજસ્થાન), અબ્દુલ ફારૂક એહમદખાન પઠાણ (રહે. બાસવાડા, રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બે સહ-આરોપીઓ ઉપેન્દ્રભાઈ કાળુભાઈ ભેદી (રહે. સીંગવડ, દાહોદ) અને અસ્ફાક અબ્દુલ્લા ઝબા (રહે. ગોધરા) ના નામો પણ ખુલવા પામ્યા છે. ગોધરા એલસીબીએ તમામ આરોપીઓ વિરુદ્ધ મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




