ગુજરાતના હડપ્પન સંસ્કૃતિના કેન્દ્ર એવા લોથલમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની બે મહિલા અધિકારીઓ બુધવારે કાદવને કારણે દટાઈ ગઈ હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે બીજી મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે.
મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલી બંને મહિલાઓ દિલ્હીથી ગુજરાતના લોથલ પહોંચી હતી. પુરાતત્વીય સ્થળ પર મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે. જેના કારણે બંને મહિલાઓ સર્વે માટે આવી હતી.
અકસ્માત ક્યારે થયો
આ અકસ્માત ત્યારે થયો જ્યારે બંને મહિલા અધિકારીઓ કેટલાક પીએચડી વિદ્યાર્થીઓ સાથે 15 ફૂટ ખાડા ખોદ્યા બાદ માટીના નમૂના લઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક માટી સરકી ગઈ અને બંને મહિલા અધિકારીઓ દટાઈ ગયા. આ અકસ્માતમાં સુરભી વર્મા નામની મહિલા અધિકારીનું મોત થયું હતું જ્યારે અન્ય મહિલા અધિકારી યમા દીક્ષિત ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે.
બંને મહિલા અધિકારીઓ ભૂસ્તરશાસ્ત્રી છે
આ બંને મહિલા ભૂસ્તરશાસ્ત્રી છે. લોથલના આ હેરિટેજ સાઈટ પર અચાનક માટી ધસી પડવાની માહિતી ફાયર બ્રિગેડને સૌ પ્રથમ મળી હતી. આ પછી અધિકારીઓ અને પોલીસ પ્રશાસનની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના અસરગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
હાલમાં ASIએ આ ઘટના અંગે હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. જો કે આ ઘટના બાદ ગાંધીનગરથી દિલ્હી સુધી હલચલ મચી ગઈ છે. માહિતી સામે આવી છે કે મૃતક સુરભી વર્મા પણ દિલ્હી IITમાંથી PhD કરી રહી હતી.