
શ્રમ વિભાગની તપાસ બાદ ૧૯ ફેક્ટરી સામે કેસશ્રમ કાયદાઓમાં સુધારા છતાં લઘુતમ વેતન ચૂકવાતું નહીં હોવાની ફરિયાદો.૨૦૨૫માં કરાયેલી ફરિયાદમાં ૫ ફેક્ટરીમાં તપાસ બાદ તફાવતની ૧.૪૧ લાખની રકમ શ્રમયોગીઓને ચૂકવવામાં આવી હતી.રાજ્ય સરકાર શ્રમ કાયદાઓમાં સુધારા કરે છે અને કામના કલાકો વધારવા સહિતના કાયદા પસાર કરી રહી છે પરંતુ કામદારો-શ્રમિકોને લઘુતમ વેતન મળતું નહીં હોવાના સેંકડો કિસ્સા છતાં ગણતરીની ફરિયાદો જ તંત્ર સુધી પહોંચે છે. વિધાનસભામાં અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ૫૪ ફરિયાદો મળી હોવાની માહિતી અપાઇ છે. વિધાનસભા ગૃહમાં તારાંકિત પ્રશ્નોતરીમાં કોંગ્રેસના અમૃતજી ઠાકોરે ફેક્ટરીઓમાં લઘુતમ વેતન મુજબ કામદારોને મહેનતાણું નહીં ચૂકવાતા હોવાના મુદ્દે સવાલ પૂછ્યો હતો.
તેના લેખિત જવાબમાં શ્રમ અને રોજગાર વિભાગે જણાવ્યું હતું કે ૨૦૨૪માં અમદાવાદમાં ૨૨ ફરિયાદ અને ૨૦૨૫માં ૩૨ ફરિયાદો ફેક્ટરી વિરુદ્ધ મળી હતી. તે પછી તંત્ર દ્વારા ફેક્ટરીમાં નિરીક્ષણ કરાયું હતું. ૨૦૨૪માં એક ફેક્ટરીમાં ૪ શ્રમયોગીઓને પગાર તફાવતની ૨૭ હજાર રૂપિયાની રકમ ચૂકવવા આદેશ અપાતા તે અપાઇ હતી. ૧૦ ફરિયાદમાં ફેક્ટરીમાં નિરીક્ષણ દરમિયાન તેમની સામેની તપાસ નોંધની પૂર્તતા ન કરાતા ફેક્ટરીઓ વિરુદ્ધ લઘુતમ વેતન અધિનિયમ મુજબ લેબર કોર્ટમાં કુલ ૧૦ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. બે ફેક્ટરી દ્વારા શ્રમયોગીઓ સાથે સમાધાન કરીને લઘુતમ વેતન મુજબ પગાર તફાવતનું ૭૮ હજાર રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું હતું. ૨૦૨૫માં કરાયેલી ફરિયાદમાં ૫ ફેક્ટરીમાં તપાસ બાદ તફાવતની ૧.૪૧ લાખની રકમ શ્રમયોગીઓને ચૂકવવામાં આવી હતી. ૯ ફેક્ટરીઓએ તપાસ નોંધની પૂર્તતા ન કરાતા તેમની સામે લેબર કોર્ટમાં કેસ કરાયો હતો. તપાસમાં કેટલીક ફેક્ટરીઓ દ્વારા નિયમ પ્રમાણે લઘુતમ વેતન ચૂકવાતું હોવાનું કે તેનાથી પણ વધુ ચૂકવાતું હોવાનું જણાયું હતું.




