
નર્મદાના સાગબારામાં ૩.૩૫ ઈંચ વરસાદ ખાબક્યો નર્મદા જિલ્લામાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ આગળ વધીને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પ્રવેશી ચૂક્યું છે
ગુજરાતમાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ આખરે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. ચોમાસાના પ્રારંભિક આગમનની સાથે જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘમંડાણ શરૂ થઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના જુદા જુદા ૧૬ તાલુકાઓમાં નોંધપાત્ર મેઘમહેર જાેવા મળી છે, જેમાં દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવીને સર્વત્ર પાણી-પાણી કરી દીધું છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી કલાકો માટે પણ આકાશી આફત અને રાહતના સંકેતો આપતી મહત્વની આગાહી જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગના તાજા બુલેટિન અનુસાર, રાજ્યના વાતાવરણમાં આગામી સમયમાં મોટો ફેરફાર જાેવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી ત્રણ કલાક દરમિયાન ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે જાહેર કરેલી ચેતવણી મુજબ નીચે મુજબના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી. જ્યારે મધ્ય ગુજરાતના મહીસાગર અને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ ૪૦ કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાનું અનુમાન છે, જેથી વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાશે નહીં પરંતુ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જામશે.
છેલ્લા ૨૪ કલાકમાં નર્મદા જિલ્લાના સાગબારા, સેલંબા અને ડેડિયાપાડા પંથકમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ જળબંબોળની સ્થિતિ સર્જી દીધી છે. સૌથી વધુ વરસાદ સાગબારામાં ૩.૩૫ ઈંચ નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ તાપીના કુકરમુંડામાં ૧ મિમી નોંધાયો છે.
ભારે વરસાદના કારણે ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારની સ્થાનિક નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા છે, જેના કારણે ચોમાસાના પ્રારંભે જ પૂર જેવા દ્રશ્યો સામે આવ્યા છે. ડેડિયાપાડાના ડુમખલ નજીક આવેલી તારવ નદીમાં ભારે ઘોડાપૂર આવ્યું છે. નદીના પાણી ડુમખલ ગામથી મહારાષ્ટ્ર તરફ જતા મુખ્ય રસ્તા ઉપર ફરી વળ્યા છે, જેના કારણે આંતરરાજ્ય વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે. નીચાણવાળા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને કારણે ધરતીપુત્રોમાં ચિંતા સાથે ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. જાે કે, સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે લોકોને અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી મોટી રાહત મળી છે.
વરસાદની ખુશીની સાથે નર્મદા જિલ્લામાંથી એક દુ:ખદ સમાચાર પણ સામે આવ્યા છે. ડેડિયાપાડા તાલુકાના દાબકા ગામમાં આકાશમાંથી ત્રાટકેલી આકાશી વીજળીની ચપેટમાં આવવાથી એક ભેંસનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. હવામાન વિભાગે લોકોને વિનંતી કરી છે કે જ્યારે પણ ગાજવીજ સાથે વરસાદ શરૂ થાય ત્યારે ઝાડ નીચે અથવા ખુલ્લા મેદાનમાં ઊભા રહેવાનું ટાળવું અને પશુઓને સુરક્ષિત સ્થળે બાંધવા.





