આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 44 સીટમાંથી 41 સીટ ગાંધીનગરની જનતાએ ભાજપને કમળ પર બટન દબાવીને આપી હતી. ભાજપને એટલી બહુમતી આપી કે તેઓ ધારે તો ગાંધીનગર અને આસપાસના ગામોમાં ખૂબ સુંદર વિકાસ કરી શકે. પરંતુ મુખ્યમંત્રીના બંગલામાં ખૂબ સુંદર બગીચાઓ, વ્યવસ્થાઓ અને રોડ છે, જ્યારે આજુબાજુના ગામોમાં ધૂળની ડમરીઓ ચડે છે. ડબલ એન્જિનની સરકાર હોવાથી આસપાસમાં રહેતા ઘરોને પાડીને ઉજાડી દીધા; તે બધા ગેરકાયદેસર ન હોવા છતાં તેમને વૈકલ્પિક વ્યવસ્થા પણ પૂરી ન પાડી. ગાંધીનગરમાં રહેતા વર્ગ-3, વર્ગ-4 અને ક્લાસ-2ના સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા, મોંઘવારી ભથ્થા, ગ્રેડ પે અને ખોટા કામ કરાવવાના બાબતે ભાજપે સૌથી વધુ શોષણ કર્યું છે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ખુલાસો કરતા તેમણે કહ્યું કે, ગયા વખતે 22% મત સાથે જનતાએ વિશ્વાસ મૂકીને આમ આદમી પાર્ટીને એક સીટ આપી હતી, જ્યારે ભાજપને 41 અને કોંગ્રેસને બે સીટ મળી હતી. કોંગ્રેસના બંને ઉમેદવારો ભાજપમાં જતા ભાજપની સીટો 43 થઈ ગઈ, પરંતુ ‘આપ’નો એક જ કોર્પોરેટર હોવા છતાં આજેય પક્ષમાં ટકી રહ્યો છે અને વિપક્ષ તરીકે પાંચ વર્ષ મજબૂતાઈથી અવાજ ઉઠાવી પ્રજા સાથે ઊભો રહ્યો છે. તેથી કોંગ્રેસને મત આપવો એ ભાજપને જ મત આપવા બરાબર છે, માટે જનતા કોંગ્રેસમાં મત બગાડે નહીં તેવી હું અપીલ કરું છું.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યુ હતુ કે ભારતના બંધારણ અને ચૂંટણી પંચના નિયમો મુજબ ચૂંટણી લડનાર દરેક ઉમેદવારે સાચી એફિડેવિટ કરી યોગ્ય બિલ સાથે ખર્ચા રજૂ કરવા પડે છે, અન્યથા છ વર્ષ માટે ગેરલાયક ઠરી શકે છે. પરંતુ ભાજપના 41 એ 41 કોર્પોરેટરો, નેતાઓ, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી બધાએ આ નિયમો તોડીને ઘોળીને પી ગયા. તેમણે મંડપ, ચા-નાસ્તો, પાણી, જમવાનું અને ડીજે સહિતનો 1.33 લાખનો તમામ ખર્ચ એક જ વેપારી પાસે કરી બોગસ બિલ રજૂ કર્યા. 2021ની ચૂંટણીના આ મીડિયા રિપોર્ટ અને શંકાસ્પદ બોગસ એફિડેવિટના આધારે છ-છ કલેક્ટરો આવ્યા અને 22 વખત જવાબો લખાવવા નોટિસો પાઠવી, છતાં આ લોકો “હજી કામમાં છીએ, મુદત વધારો” કહીને છટકી ગયા. ભાજપના મળતિયા અધિકારીઓ બેઠા હોવાથી આ કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવાના બદલે, ભાજપના પ્રદેશ અધ્યક્ષે તેમાંથી 12 લોકોને ફરીથી ટિકિટ આપી ઈનામ આપ્યું છે. ચૂંટણી પંચ પણ ભાજપના ઈશારે લોલમલોલ ચલાવી રહ્યું છે. 11 તારીખે મતદાન વખતે જનતા કમળનું બટન ન દબાવીને આમ આદમી પાર્ટીને મત આપે, નહિતર ગડબડો અને ખોટું કરનારા આ નેતાઓ વધુ અહંકારી અને રાવણ બનશે. ગુજરાતમાં ખરાબ મેસેજ ન જાય તે માટે જાગીને લોકતંત્ર બચાવવા ભાજપને મત ન આપવા હાથ જોડીને વિનંતી કરું છું.




