અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનને 11 વર્ષ પૂર્ણ થવા છતાં આંદોલન દરમિયાન થયેલા બનાવો અને લોકો પર થયેલા કથિત અત્યાચાર અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, તેવો આક્ષેપ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા જીગીશા પટેલે કર્યો છે. તેમણે જણાવ્યું કે આંદોલન દરમિયાન નિર્દોષ લોકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને કેટલાક લોકોનાં મોત થયા હતા. જીગીશા પટેલના જણાવ્યા મુજબ, ગોળીબાર કરનાર અધિકારી સામે સસ્પેન્શન જેવી કાર્યવાહી કરવાને બદલે તેમને પ્રમોશન આપવામાં આવ્યું અને ત્યારબાદ બદલી કરવામાં આવી હતી.
જીગીશા પટેલે વધુમાં જણાવ્યું કે આ સમગ્ર મામલે સાક્ષીઓના નિવેદનો તેમજ વીડિયો સહિતના પુરાવા રજૂ કરવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી કોર્ટ દ્વારા કોઈ અંતિમ ચુકાદો આપવામાં આવ્યો નથી. તેમણે આક્ષેપ કર્યો કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન લોકોના મોત માટે જવાબદાર હોવાનો આરોપ ધરાવતા લોકો આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેમણે આંદોલન સાથે જોડાયેલા કાર્યકર્તાઓ અને આગેવાનોને આ મુદ્દે પોતાનો અભિપ્રાય રજૂ કરવા અને ન્યાય માટેની લડાઈમાં આગળ આવવા અપીલ કરી હતી.
પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા રિપોર્ટને જાહેર કરવામાં કેમ આવતો નથી તેવો સવાલ પણ જીગીશા પટેલે ઉઠાવ્યો હતો. તેમણે પૂછ્યું કે આ રિપોર્ટ જાહેર ન કરીને કોનો બચાવ કરવામાં આવી રહ્યો છે? સાથે જ તેમણે માંગ કરી કે સમગ્ર ઘટનામાં જે લોકો સંડોવાયેલા હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જવાબદારોને સજા મળે.
જીગીશા પટેલે વધુમાં એવો દાવો કર્યો હતો કે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રીને પણ ગોળીબાર અને લાઠીચાર્જનો આદેશ કોણે આપ્યો હતો તેની જાણકારી નહોતી. તેમણે સરકાર પાસે પાટીદાર અનામત આંદોલન સંબંધિત રિપોર્ટ જાહેર કરવા અને આંદોલન દરમિયાન થયેલી ઘટનાઓમાં જવાબદારી નક્કી કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.




