PM Modi: ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં આજે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-58 પર ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર નવો ફોર લેન મોટો બ્રિજ અને નેશનલ હાઈવે નંબર-58ના ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર-આંતરસુબા-માથાસુર ચોકડી રસ્તાના પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કામગીરી માટે કેન્દ્ર સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 1097.59 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
બે પ્રોજેક્ટના 1097.59 કરોડ રૂપિયાના કામોને મંજૂરી
તાજેતરમાં દેશમાં એક સાથે 19 રાજ્યોમાં, 97 હજાર 328 કરોડ રૂપિયાના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં ગુજરાતને 1 હજાર 575 કરોડ રૂપિયાના 53 કિલોમીટરના ત્રણ કામોની ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે પાછલા દસ વર્ષમાં ગુજરાતમાં 66 હજાર 470 કરોડ રૂપિયાના 3892 કિલોમીટરના 199 જેટલા પ્રોજેક્ટ મંજૂર કર્યા છે. હવે, ઉત્તર ગુજરાતના જિલ્લાઓના માર્ગ વિકાસ અને રાજસ્થાન સાથે જોડતા નેશનલ હાઈવેના વધુ બે પ્રોજેક્ટના 1097.59 કરોડ રૂપિયાના કામોને આજે મંજૂરી આપી છે.
2 વ્હીકલ અંડરપાસ, 3 નાના પુલ અને 4 નાળાની બાંધકામની કામગીરી કરાશે
આ બે પ્રોજેક્ટ પૈકી આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58 પર ધરોઈ ગામ ખાતે ધરોઈ ડેમ પાસે નવીન ચાર માર્ગીય મોટા પુલના બાંધકામની કામગીરી 398.40 કરોડના ખર્ચે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવી છે અને તેનું ટેન્ડર પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર નવો નિર્માણ થનારો આ મોટો બ્રિજ હાલના સાબરમતી નદીના પટમાં હયાત લો લેવલ કોઝવેની જગ્યાએ નવીન ગ્રીનફિલ્ડ અલાઈમેન્ટમાં ફૂટપાથ સહિતનો ચાર માર્ગીય બ્રિજ બનશે. તે ઉપરાંત આ પ્રોજેક્ટમાં 2 વ્હીકલ અંડરપાસ, 3 નાના પુલ અને 4 નાળાની બાંધકામની કામગીરી પણ કરવામાં આવશે.
ઉત્તર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે
દર વર્ષે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડવાને લીધે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-58 પર ધરોઈ ડેમ પાસે હયાત લો લેવલ કોઝવે ડૂબમાં જતો હોવાના કારણે અંદાજે 1 માસ સુધી વડાલી-સતલાસણા રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાઈ જતો હતો અને વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હતો. હવે ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા આ નવા ફોર લેન બ્રિજની મંજૂરી મળતા તેનું બાંધકામ થયેથી વાહન ચાલકોની આ સમસ્યાનો હલ આવશે. રાજ્ય સરકારે ધરોઈ ડેમને વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવાની કામગીરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શરૂ કરેલી કામગીરી પણ પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટ ગુજરાત અને ભારતના વિવિધ ક્ષેત્રોમાંથી પ્રવાસીઓને આ વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર સાથે જોડવાનું કામ કરશે અને તેના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે. ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર બનનારા આ બ્રિજના પ્રોજેક્ટના નકશા-અંદાજો ધરોઈ ડેમને વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવાની કામગીરીની વિવિધ જોગવાઈઓને ધ્યાને લઇ તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ પ્રોજેક્ટ ધરોઈ ડેમને તેના આસપાસના વિવિધ પ્રવાસન અને યાત્રાધામ તારંગા ટેમ્પલ, પોળો ફોરેસ્ટ અને અંબાજી મંદિરને જોડવાનું કામ કરશે તેથી સમગ્ર ઉત્તર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે.
પુલોનું જરૂરી પુનઃબાંધકામની કામગીરી કરવામાં આવશે
આ ઉપરાંત કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-58 પર ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર-આંતરસુબા-માથાસુર ચોકડી સુધીના કુલ 56.620 કિ.મી. રસ્તાને પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કરવાની કામગીરી માટે રૂ. 699.79 કરોડ મંજુર કરવામાં આવેલા છે. તેનું ટેન્ડર પણ ટૂંક સમયમાં બહાર પાડી દેવામાં આવશે. જે 56.620 કિલોમીટરના રસ્તાને પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કરવાની કામગીરી થવાની છે તે પૈકી રાજસ્થાન સરહદ પાસેના ખોખરા ગામથી વિજયનગર વચ્ચેનો 11.500 કિ.મી. હયાત 3.75 મીટરનો એકમાર્ગિય રસ્તો છે. તેને રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ધારાધોરણ મુજબ 10.00 મીટરના પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કરવાની તથા નાળા, પુલોનું જરૂરી પુનઃબાંધકામની કામગીરી કરવામાં આવશે.
વિજયનગર, આંતરસુબા, અને માથાસુર ચોકડીને જોડતા હયાત 45.120 કિલોમીટર લંબાઈના 7 મીટર રસ્તાને રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ધારા ધોરણ મુજબ 10.00 મીટરના પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કરવાની તથા નાળા, પુલોનું જરૂરી પુનઃબાંધકામની કામગીરી કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર-આંતરસુબા-માથાસુર ચોકડી સુધીના હયાત રસ્તામાં ભૌગોલિક પરિસ્થિતિના કારણે ખુબ જ વધુ પ્રમાણમાં તીક્ષ્ણ વળાંક આવે છે અને તેને કારણે વાહન ચાલકોને વાહન વ્યવહારમાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ડેરી અને ઔદ્યોગિક ઉત્પાદનોના માલ પરિવહનમાં વૃદ્ધિ થશે
એટલું જ નહીં, અકસ્માતનો પણ ભય રહે છે. આ સમસ્યાના નિવારણ માટે પ્રોજેક્ટમાં કુલ 14 જગ્યાએ હાલમાં સ્થિત તીક્ષ્ણ વળાંકોને રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ધારા ધોરણો મુજબના કરવા રી-અલાઈમેન્ટ કરવાની કામગીરીનો અને ૫ મોટા પુલ, 29 નાના પુલ, 105 નાળા સહિત પાનોલ ગામ પાસે નવીન રેલવે ઓવર બ્રીજ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટને પરિણામે વિવિધ ગ્રામજનોના સામાજિક-આર્થિક પરિમાણને વેગ મળશે તેમજ ઉદયપુર, પોલો ફોરેસ્ટ અને અંબાજી મંદિર જેવા જાણીતા પ્રવાસન અને યાત્રાધામોને જોડતા આ માર્ગથી ઉત્તર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-58ના વડાલી, ધરોઈ અને સતલાસણા રસ્તાની ડી.પી.આર.ની કામગીરી પણ પ્રગતિમાં છે તેના અપગ્રેડેશનની કામગીરી આવનારા સમયમાં કરવામાં આવશે. ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-58ના માથાસુર થી વડાલી અને સતલાસણા થી ખેરાલુ રસ્તાને ફોર લેન કરવાની કામગીરી પણ પ્રગતિમાં છે. ઉપરાંત, આ પ્રોજેક્ટ પરના ગામોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, તેથી વિવિધ કૃષિ, ડેરી અને ઔદ્યોગિક ઉત્પાદનોના માલ પરિવહનમાં વૃદ્ધિ થશે.