ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે પાણી, હવા અને જમીન પ્રદૂષણના મુદ્દે ચાલી રહેલા આંદોલનને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગ્રામજનોના સમર્થનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ખેડૂતોને સંબોધન કરતા ’આપ’ નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આપણી ખામીયુક્ત સિસ્ટમના કારણે જેમણે કેન્સર અને અન્ય ગંભીર બીમારીઓથી પોતાના જીવ ગુમાવ્યા છે, તેમના પરિવારોને હું સાંત્વના પાઠવું છું. તમારો અવાજ અને તમારી પીડા સાંભળીને અહીં આવ્યો છું. ખરેખર દુઃખ થાય છે કે સરકારો શેના માટે હોય? વર્ષો પહેલાં 1947 માં જ્યારે આપણો દેશ સ્વતંત્ર થયો, અને તે પહેલાં મહાત્મા ગાંધીજી જેવા મહાન આત્માઓએ અંગ્રેજોથી દેશને આઝાદ કરાવવા માટે આંદોલનો અને પ્રયત્નો કર્યા હતા, જેથી ગોરા અંગ્રેજો જાય, આપણી સત્તા આવે, આપણા લોકો સત્તા પર બેસે અને જનતા શોષણમાંથી મુક્ત થાય. પણ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે મહાત્મા ગાંધીજીની આત્મા પણ કેટલી દુઃખી થતી હશે! સરકારનું કામ પ્લાનિંગ કરવાનું હોય છે. ચૂંટણી પતે, મુખ્યમંત્રી અને મંત્રીઓ શપથ લે, શાસક પક્ષ કે વિપક્ષના ધારાસભ્યો વિધાનસભામાં જાય, ત્યારે પાંચ-પાંચ વર્ષનું આયોજન કરવાનું હોય છે. તેમણે વિચારવાનું હોય કે મારા ગુજરાત રાજ્યમાં આજે ખેડૂતો દુઃખી છે તો ખેડૂતો માટે શું યોજના કરીએ? માતાઓ, બહેનો અને દીકરીઓ વધારે ભણે એના માટે શું યોજનાઓ કરીએ? ગામડાઓની દીકરીઓ પણ કલેક્ટર, ડૉક્ટર કે એન્જિનિયર બને તે માટે સ્કૂલો અને સુવિધાઓ ઊભી કરવી એ મંત્રીઓનું કામ હોય છે. ગામડાઓમાં કેટલી તકલીફો અને મુશ્કેલીઓ છે!
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે વિચારવું જોઈએ કે ખેડૂતોને બિયારણ અને ખાતર સસ્તા ભાવે પૂરા પાડીએ, વીજળી મફત આપીએ, ગામડાઓમાં લોકોને યોગ્ય મજૂરી અને કામ મળે તેમજ પાકના યોગ્ય ભાવ મળે. રાશનમાં ઘઉં, તેલ અને ખાંડ દર મહિને દરેકના ઘરે યોગ્ય રીતે પહોંચે તેવી યોજનાઓ વિચારવાની હોય છે. પરંતુ વિચારવાની વાત તો દૂર રહી, આજે છ-છ દિવસ થયા છતાં ગટર અને કંપનીઓનું ગંદુ પાણી આવી રહ્યું છે. કેટલાય લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા છે, છતાં ન્યાય આપવાની વાત તો બાજુ પર રહી, આપણે આપણા હક માટે આંદોલન કરવું પડે છે! આવી નબળી નેતાગીરી કે નબળી સરકાર મેં મારા 44 વર્ષના જીવનમાં નથી જોઈ. આપણે કહીએ છીએ, માગીએ છીએ અને આ આપણો હક અને અધિકાર છે. સાચી આઝાદી ત્યારે જ કહેવાય જ્યારે મુખ્યમંત્રી અને મંત્રીઓ સામાન્ય માનવીની વાત સાંભળે. વિજયભાઈ મને કહેતા હતા કે તમે આવીને જુઓ કે કેટલું ગંદુ પાણી છે. આજે ઘણા ગામડાઓમાં કેન્સર ફેલાઈ રહ્યું છે. કલ્પના કરો કે જ્યારે પરિવારમાં કમાનાર વ્યક્તિ દુનિયા છોડીને જતી રહે ત્યારે તે પરિવાર પર શું વીતે છે! આજે નાની-નાની દીકરીઓ જેણે સ્કૂલમાં ભણવું જોઈએ, તેમની સુરક્ષા અને શિક્ષણની જવાબદારી સરકારની છે. સરકાર એટલે શું? સરકાર એટલે માયબાપ, સરકાર એટલે વાલી! આપણે જે ટેક્સ ચૂકવીએ છીએ તેમાંથી ચાલતી આ વ્યવસ્થામાં ફંડનો ક્યાં અને કેવી રીતે યોગ્ય ઉપયોગ કરવો તે સુઆયોજિત રીતે નક્કી કરવાનું કામ સરકારનું છે. ના, તો આ બધું નોન-પોલિટિકલ (બિનરાજકીય) છે?
ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતુ કે તમે પાણી છોડો એ પોલિટિકલ, લૂંટ ચલાવો એ પોલિટિકલ, લાંચ-રિશ્વત મારો અને ભ્રષ્ટાચાર કરો એ પોલિટિકલ, ગ્રાન્ટો ખાઈ જાઓ એ પોલિટિકલ! અને અમે જ્યારે જનતાના હક માટે આંદોલન કરીએ ત્યારે એને નોન-પોલિટિકલ કહીને છોડી દેવાનું? અને મારે શા માટે કહેવું પડે? આજે આ ગામ ભાજપના નેતાનું ગામ છે, નગરપાલિકા ભાજપની છે, તાલુકા પંચાયત ભાજપની છે, જિલ્લા પંચાયત ભાજપની છે, રાજ્ય સરકાર ભાજપની છે અને કેન્દ્ર સરકાર પણ ભાજપની છે. તો પછી આપણું કામ કરતા કોણ રોકે છે? માણસને એક વાર સત્તા મળે, બીજી વાર સત્તા મળે, ત્રીજી, ચોથી, પાંચમી કે છઠ્ઠી વાર સત્તા આવે એટલે અહંકાર આવી જાય છે. રાવણનો અહંકાર પણ નહોતો ટક્યો! જો તમે એક દિવસ ખાલી આંદોલનનું એલાન કરો ને, તો આ કંપનીવાળા દોડતા થઈ જાય, મંત્રીઓ, નગરપાલિકા વાળા પાણી ટ્રીટમેન્ટનું ગંદુ પાણી છોડવાનું બંધ કરી દે. બીજી વાત તમને સત્ય કહી દઉં, નેતાઓને મતદાન (વોટ) સિવાય કંઈ વહાલું નથી હોતું. આ વાત બહુ ધ્યાનથી સમજજો, એમને ફક્ત તમારા વોટ સાથે જ લેવાદેવા છે. મતદાનના દિવસે તમારા ઘરે આવશે, નાના બાળકને ખોળામાં રમાડશે, ગલું-ગલું કરશે, દસ-વીસ રૂપિયા આપશે જેથી તમે એમને વોટ આપી દો. પણ આપણે એ ધ્યાન રાખવાનું છે કે ભૂલથી પણ કઈ ખોટું ન થાય. લોકો ચાહે કે ન ચાહે, મત આપે કે ન આપે, આપણે સત્તામાં રહીએ કે ન રહીએ એ બીજા નંબરની વાત છે. પણ જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે, ત્યાં સુધી કોઈ ગરીબનું ખરાબ ન થાય એના માટે જ હું ભગવાનને સદા પ્રાર્થના કરું છું.





