(નીડર,નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હવે માત્ર નામ પૂરતી જ રહી ગઈ છે. કારણ કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનેક રાજ્યો કરતાં સૌથી વધુ માલ ગુજરાત ખાતે ઉતરે છે. અને એમાંય ખાસ કરીને સુરતનો દારૂના વેચાણ માં ગુજરાત માં પ્રથમ ક્રમે ગણાય છે. જ્યાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા, હરિયાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ ના બુટલેગરો દ્વારા આખા ગુજરાત માં માલ સપ્લાય કરાય છે. જેમાં સૌથી વધુ દેશી-વિદેશી દારૂ સુરત ખાતે ઉતરે છે.
જ્યાં જોવાની ખૂબીએ છે કે ગુજરાત ના નાયબ મુખ્ય મંત્રી જ્યારે સુરતના જ હોય અને સુરત ખાતે જ સૌથી વધુ દારૂનું વેચાણ થતું હોય એનાથી મોટી શરમજનક બાબત નાયબ મુખ્યમંત્રી માટે શું હોઈ શકે? અહીં સવાલ એ પણ થાય છે કે શું સુરત ખાતે આટલો દારૂ વેચાતો હોય અને એ બુટલેગરો ની માહિતી નાયબ મુખ્યમંત્રી કે જેઓ ગૃહમંત્રીની જવાબદારી પણ સંભાળે છે એમને ના હોય એ બની શકે ખરું?
ઉપરાંત જે પરપ્રાંતીય રાજ્યોમાંથી જે જે લિસ્ટેડ બુટલેગરો ગુજરાત ખાતે માલ સપ્લાય કરી તગડી રકમ કમાતા હોય એવા બુટલેગરોની સંપૂર્ણ માહિતી જે તે રાજ્યોના ગૃહખાતા સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે પણ હોતા જ હોય છે. ત્યારે આ દારૂના દૂષણ ને જો ખરેખર અંકુશ માં લેવું હોય તો ગુજરાત અને બુટલેગરો જ્યાંથી માલ સપ્લાય કરે છે એ રાજ્યોની પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરવું જરૂરી છે. એટલું જ નહીં અલગ-અલગ રાજ્યો ના બુટલેગરો ના ઘરો પર પણ બુલડોઝરો ચલાવવા જોઈએ. કારણ કે ગુજરાતમાંથી કાળી કમાણી કરીને કરોડો રૂપિયા કમાતા આ પરપ્રાંતીય બુટલેગરો જ્યારે કરોડોની મિલકતો ઊભી કરી ધાગડધિન્ના કરતા હોય ત્યારે એમને પણ સબક શિખવાડવો જોઈએ.
આ બુટલેગરોના પાપે ગુજરાતમાં કેટલાય લોકો મોતના મુખમાં ધકેલાયાના બનાવો ભૂતકાળમાં બનેલા છે. જેમાં સુરતના કડોદરા, પલસાણા અને મધ્ય ગુજરાતના વડોદરા, અમદાવાદ ખાતે ભૂતકાળમાં લઠ્ઠાકાંડનો બનાવ બનેલ છે તેમાં કેટલાક લોકોનો મોત થયા છે અને તાજેતરમાં સૌરાષ્ટ્રના ભાવનગર ખાતે લઠ્ઠાકાંડ નો જે બનાવ બન્યો તેમાં ૧૩ લોકો ના મૃત્યુ થતા કેટલાય બાળકો અનાથ થયા, કેટલાય પરિવારોએ પોતાનો વહાલસોયો દિકરો, તો કોઈએ ભાઈ,કોઈએ પિતા ,કેટલીય બહેનોએ વિધવા થવાનો વારો આવ્યો છે. એના માટે જવાબદાર કોણ? આનો જવાબ છે સરકાર પાસે?
જો ખરેખર સરકારે પ્રામાણિકતા પૂર્વક કામગીરી કરવી જ હોય તો સ્થાનિક પોલીસની સાથે પોલિસ કમિશ્નર, ડીજીપી, અને ગ્રામ્ય વિસ્તાર ના DSP એ આવા બુટલેગરો કે જેમની પર ભૂતકાળ માં કે વર્તમાન માં કેસો થયેલા છે. એ પોલીસ સ્ટેશનોની તપાસ કરીને એમની મિલકતો ઉપર દાદાનું બુલડોઝર ચલાવી દાદાએ દાખલો બેસાડવો જોઈએ. અને એમની મિલકતો જપ્ત કરવી જોઈએ.આને કારણે ડુપ્લિકેટ દારૂના માલનું દૂષણ પણ બંધ થશે. અને મા-બહેનો વિધવા થતી અટકશે સાથે દારૂના બુટલેગરોને જેલના સળિયા પાછળ લાંબા સમય સુધી ધકેલી દેવા જોઈએ.
હવે વાત કરીએ ખાદ્ય પદાર્થો ની જે રીતે ડુપ્લિકેટ દારૂ બને છે એમ ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ, પનીર, ઘી, માખણ,ચીઝ, તેલ જેવા પદાર્થો માં પણ હવે નફાખોરો ભેળસેળ કરતા થઈ જતાં જનતાના આરોગ્ય સામે ખતરો ઊભો થઈ ગયો છે. હાલ માં રાજ્યના કેટલાક શહેરો માંથી નકલી પનીર, નકલી ઘી, નકલી માખણ, નકલી દૂધ, નકલી તેલ પકડવાના કેટલાય બનાવો આરોગ્ય ખાતાના ચોપડે અને ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે. ત્યારે સવાલ એ પેદા થાય છે કે દૂધ એ બાળક જન્મે છે ત્યારે જરૂર પડે છે એ જ રીતે દૂધ, ઘી, માખણ, સુવાવડી બાઈ કે પ્રેગનન્સી વખતે મહિલાઓને ખાસ આપવામાં આવે છે. એ સમયે આવા ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો જ્યારે શરીરમાં જાય છે ત્યારે શરીર માં અનેક પ્રકારના રોગોનો જન્મ થાય છે અને વ્યક્તિનું આરોગ્ય જોખમમાં આવી પડે છે. ત્યારે આવા ભેળસેળિયા અને પૈસા કમાવાની લાલચમાં લોકોના આરોગ્યને નુકશાન પહોંચાડે છે. આવા લોકોને ગુજરાત રાજયમાં અલગ-અલગ શહેરોમાં ભૂતકાળમા અને વર્તમાનમાં પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા છે તેવા લોકોના માલ-મિલકત જપ્ત કરવી જોઈએ અને લાંબા સમય સુધી જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. એમની મિલકત ઉપર દાદાનું બુલડોઝર પણ ફેરવી દેવું જોઈએ. અને આનાથી બીજા ભેળસેળ કરતાં અટકશે. અને આવી ગુનાહિત પ્રવૃતિ કરતાં અટકશે.





