રાજકોટની બહુચર્ચિત મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. કેમ્પસની હોસ્ટેલમા રહેતી એક વિદ્યાર્થિનીનો અન્ય વિદ્યાર્થીનીએ આપત્તિજનક વીડિયો ઉતારીને અન્યને મોકલતા હોબાળો થયો છે. ત્યારે આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.
આ વખતે એવી ઘટના બની છે કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક યુવતી દ્વારા બીજી યુવતીનો ખોટી રીતે વિડીયો ઉતારીને તેને વાયરલ કર્યો હતો. આ બાબતે અન્ય યુવતીઓને જાણ થતાં તેને હોસ્ટેલમાં જ સજા આપવાનો કાર્યક્રમ ગોઠવી નાખ્યો હતો. આ ઘટનામાં એક યુવતી બેઠેલી છે અને બાકીની કેટલીક યુવતીઓ તેને આ પ્રકારનું કૃત્ય શા માટે કર્યું તેનો સવાલ કરીને માર મારતી નજરે પડી રહી છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા યુનિવર્સિટીની હોસ્ટેલ પર પહોંચી ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.
આંધ્ર પ્રદેશની યુવતીઓ મારવાડી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના વિભાગમાં અભ્યાસ કરે છે. જેમાં વીડિયો ઉતારનાર યુવતીની સાથે અન્ય યુવતીઓએ મારામારી કરી હતી. આ મામલે વિવાદ થયા ટોળું એકત્ર થયું હતુ, અને સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. સંબંધિત યુવતીના વાલીઓને જાણ કરવામાં આવી હતી.વાલીઓના આવ્યા બાદ પોલીસ ફરિયાદ અંગે નિર્ણય લેવાશે હાલ તો નિવેદન લઇ યુવતીઓને જવા દેવામાં આવી.
સ્નાન કરતો વીડિયો ઉતારી તેનાં બોયફ્રેન્ડને મોકલ્યો
મળતી માહિતી મુજબ ગત રોજ રાત્રીનાં સુમારે રાજકોટમાં આવેલ મારવાડી કોલેજની હોસ્ટેલમાં રહેતી એન્જિનિયરિંગની વિદ્યાર્થીનીએ અન્ય એક વિદ્યાર્થીનો સ્નાન કરતો વીડિયો ઉતારી તેનાં બોયફ્રેન્ડને મોકલ્યો હોવાનું સામે આવતા હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારે આ બાબતે ભોગ બનનાર વિદ્યાર્થીનીને જાણ થતા વીડિયો મોકલનાર વિદ્યાર્થીનીઓ વચ્ચે હોસ્ટેલમાં જ છૂટા હાથની મારામારી થવા પામી હતી.
આ ઘટનામાં યુવતીનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક યુવતી પલંગ પર બેઠેલી છે જ્યારે કેટલીક યુવતીઓ તેની સામે ઉભી છે અને તેને આવું શા માટે કર્યું તેવા સવાલો કરતી જોવા મળી રહી છે. જેમાં એક યુવતી સતત પલંગ પર બેઠેલી યુવતીને લાફા મારતી નજરે પડી રહી છે.