ઇઝરાયેલના રાષ્ટ્રપતિએ કરી જાહેરાત ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા કેપ્ટન સ્મિત મચ્છરને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે કેપ્ટન સ્મિતને તેમની અસાધારણ બહાદુરી, સાહસ અને પ્રોફેશનલિઝમ માટે ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલ હિરોઈઝમ’ થી નવાજવામાં આવશે હવામાં ઊડી રહેલા વિમાનમાં મોટી દુર્ઘટના અને હાઈજેકિંગનો પ્રયાસ નિષ્ફળ બનાવી ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને ઈઝરાયલ સરકાર દ્વારા દેશના સર્વાેચ્ચ નાગરિક વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ઈઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝાેગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કેપ્ટન મચ્છરને તેમની અસાધારણ બહાદુરી, સાહસ અને પ્રોફેશનલિઝમ માટે ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલ હિરોઈઝમ’ થી નવાજવામાં આવશે.યરૂશલેમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં છ ઈઝરાયલી નાગરિકોને વીરતા પુરસ્કાર આપતી વખતે રાષ્ટ્રપતિ હર્ઝાેગે ખાસ ભારતીય પાયલટ સ્મિત મચ્છરનો ઉલ્લેખ કર્યાે હતો. તેમણે કહ્યું હતું કે, “આજે જે ઈઝરાયલી વીરોને આપણે સન્માનિત કરી રહ્યા છીએ, તેમની સાથે આપણે ભારતના કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરીએ છીએ. તેમની બહાદુરી અને સૂઝબૂઝથી જ એક મોટી હોનારત ટળી શકી છે. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે ત્યારે મને ઈઝરાયલની જનતા વતી તેમને આ પુરસ્કાર આપવાનું સન્માન મળશે.”ઉલ્લેખનીય છે કે, આ એવોર્ડ ૭ ઓક્ટોબર ૨૦૨૩ ના આતંકી હુમલા બાદ રાષ્ટ્રપતિ હર્ઝાેગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, જે અન્ય લોકોના જીવ બચાવવા માટે અસાધારણ વીરતા દર્શાવનારા નાગરિકોને આપવામાં આવે છે.નોંધનીય છે કે, ગયા સપ્તાહે તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ઉડાન FZ1073 માં એક ભયાનક ઘટના બની હતી. વિમાનના ઓમાની નાગરિક કો-પાયલટ હમામ અલ-હમ્મામીએ અચાનક કેપ્ટન સ્મિત મચ્છર પર કુહાડીથી પ્રાણઘાતક હુમલો કરી દીધો હતો અને વિમાનનો કંટ્રોલ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યાે હતો. જાેકે, ગંભીર રીતે ઘવાયેલા હોવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે અદ્ભુત ધૈર્ય અને સાહસ બતાવીને કો-પાયલટને કાબૂમાં કર્યાે હતો અને ૧૭૪ પ્રવાસીઓને લઈ જતા વિમાનનું સાઉદી અરેબિયામાં સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.આ ઘટના બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કેપ્ટન સ્મિત મચ્છર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. નેતન્યાહૂએ સ્મિત મચ્છરને ઈઝરાયલ, ભારત અને સમગ્ર વિશ્વના “હીરો” ગણાવ્યા હતા અને તેમને ઈઝરાયલના આગામી સ્વતંત્રતા દિવસ સમારોહમાં ખાસ અતિથિ તરીકે હાજર રહેવા સત્તાવાર નિમંત્રણ પણ પાઠવ્યું હતું.




