મહામંદીના કારણે સર્જાયેલી આર્થીકભીંસને લીધે અનેક પરિવારોના માળા પીંખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે રાજકોટમાં આર્થિકભીંસથી કંટાળી કારખાનેદાર યુવાને ઝેરી દવા પી અને શ્રમિક પ્રોઢે ગળેફાંસો ખાઇ આત્મઘાતી પગલા ભરી લીધા છે. યુવક અને પ્રૌઢના મોતથી બંને પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મૂળ જામકંડોણાના મોટા પાદરા ગામના વતની અને હાલ રાજકોટના કાંગસિયાળી ગામે રહેતા અને ભુણાવા ગામ પાસે ભાડાથી PVC પાઇપનું કારખાનું ધરાવતા પારસ દિનેશભાઈ જારસાણીયા નામનો 29 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે મધરાત્રે બારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. કારખાનેદાર યુવકને ઝેરી અસર થતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પારસ જારસાણીયા મૂળ જામકંડોણાના મોટા પાદરા ગામનો વતની હતો અને કાંગશીયાળીમાં રહેતો હતો. તેમજ ભુણાવા ગામે ભાડેથી પીવીસીનું કારખાનું ચલાવતો હતો. આર્થિકભીંસથી કંટાળી ઝેર પી આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાજકોટમાં રાજીવનગર મેઇન રોડ ઉપર આવેલા રૂૂખડીયાપરા વિસ્તારમાં રહેતા સબીરભાઈ જુસબભાઈ જાડેજા નામના 44 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતા. ત્યારે પતરાના એંગલમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે જાણ થતા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પ્રોઢના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક સબીરભાઈ જાડેજાને સંતાનમાં બે પુત્રો છે અને સબીરભાઈ જાડેજા બંગડીના કારખાનામાં કામ કરતા હતા પરંતુ બે મહિનાથી ધંધો નહીં ચાલતા આર્થિકભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બહાર ગયેલી પત્ની ઘરે પરત ફરતા ડેલી બંધ હોવાથી પતરા તોડી અંદર જઈને જોતા સબીરભાઈ જાડેજાનો મૃતદેહ લટકતો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.